હીટ એન્ડ રન:​​​​​​​દાહોદ પાસે હાઈવેની બાજુમા ઉંઘતા હતભાગીઓ પર ટ્રેલર ફરી વળ્યુ, બેના મોત, બે સારવાર હેઠળ

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધરાતે અકસ્માત કરી ચાલક ટ્રેલર મુકીને ફરાર થઈ ગયો હોટેલ સતી તોરલ નજીક દુર્ઘટના ઘટી

દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે રાત્રીના સમયે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. એક ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબ્જાની ટ્રક ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉંઘી રહેલા ચાર જેટલા વ્યક્તિઓ ઉપર ટ્રેલર ટ્રક ચઢાવી દેતાં એકનું ઘટના સ્થળે પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અન્ય બે વ્યક્તિઓને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્ને નજીકના દવાખાને સારવાર લઈ રહ્યાં છે. અકસ્માત સર્જનાર ચાલક તેનુ વાહન મુકી ફરાર થઈ ગયો છે.

ગત મોડીરાત્રીના દોઢેક વાગ્યાના આસપાસ એક ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રેલર ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. આ દરમ્યાન કાળીતળાઈ ગામે સતી તોરલ હોટલ પાસે રસ્તાની બાજુમાં રાત્રીના સમયે મીઠીં નિંદર માણી રહેલા સંજુભાઈ કશનાભાઈ પરમાર, રણજીતભાઈ ચંદુભાઈ પરમાર, પીન્ટુભાઈ ભુરજીભાઈ ડામોર અને અવિનાશભાઈ દિનેશભાઈ હઠીલા ઉપર ટ્રેલર ટ્રકના ચાલકે પોતાનુ ટ્રેલર ચઢાવી દેતાં તમામ પર ટ્રકના તોતીંગ પૈડા ફરી વળ્યાં હતાં.

આ અકસ્માતમાં સંજુભાઈ પરમારનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અવિનાશભાઈને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન અવિનાશભાઈનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે રણજીતભાઈ તથા પીન્ટુભાઈને પણ શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તેઓ હાલ દવાખાને સારવાર લઈ રહ્યાં છે.

ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં મોડી રાત્રે પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા પણ દોડી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં. માર્ગ અકસ્માત સર્જી ટ્રેલર ટ્રકનો ચાલક સ્થળ પર મુકી નાસી ગયો હતો.

આ સંબંધે દાહોદ તાલુકાના કતવારા ગામે ખોબડી ફળિયામાં રહેતાં મનિષભાઈ કશનાભાઈ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...