કોરોના વચ્ચે પર્વનો ઉત્સાહ:આજે પવનો પતંગોત્સવની મોજ બમણી કરાવશે

દાહોદ, ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ-મહીસાગર અને દાહોદ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મકરસંક્રાતિના પર્વને માણવા લોકોમાં ઉત્સાહ

પંચમહાલ- દાહોદ જિલ્લામાં શુક્રવારે ઉતરાયણ પર્વની ભારે ધુમધામથી ઉજવણી કરવામાં આવશે. જિલ્લામાં કોરોનાનો કહેર હોવા છતાં પતંગ પર્વની ઉજવણી માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. શુક્રવાર સવારથી જ અગાશીઓ અને મેદાનો પતંગ રસિયાઓથી ઉભરાઇ જશે. અવનવા પતંગોથી પેચ લડાવવાનો આનંદ ભૂલકાથી માંડી વયોવૃદ્ધ ઉઠાવશે. ત્યારે હવે યુવતિઓ પણ ફીરકી પકડવાને બદલે જંગ-એ-પતંગ લડવા સજ્જ જોવા મળી હતી. અગાશીઓ પર જ ઉંધિયા જલેબીની જયાફતો માણવામાં આવશે.

દાહોદ જિલ્લામાં પતંગ રસિયાઓએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉત્તરાયણની આગલી મધરાત સુધી માંજો પીવડાવવા ચકરાઓ પર ટોળા જામેલા રહ્યા હતા. બીજી તરફ ઊંધિયા, તલસાંકળી, ચીક્કી જેવી વાનગીઓ બનાવવાની તૈયારીઓમાં જિલ્લાની ગૃહિણીઓ તેમજ ફરસાણ વાળાઓ વ્યસ્ત જોવા મળ્યા હતાં.

બીજી તરફ શ્રદ્ધાળુઓ ગાયોને ઘૂઘરી, રોટલી, રોટલા, અને લીલા ઘાસ ખવડાવી ધન્યતા અનુભવશે. સાથે સાથે ગરીબોને અન્ન દાન વસ્ત્રદાન પણ કરવામાં આવશે. પવનદેવ પ્રસન્ન રહેવા જોઇએ પતંગ રસિયાઓએ દાહોદ જિલ્લામાં હોંશે હોંશે તૈયારી કરી છે. મોંઘવારીની અસર હોવા છતાં દોરા પતંગની ધૂમ ખરીદી થઇ છે પરંતુ પતંગ પર્વ ટાંણે પવનદેવ પ્રસન્ન થાય તેવુ સૌ કોઇ ઇચ્છી રહ્યા છે. કારણ કે છેલ્લી કેટલીક ઉત્તરાયણોમાંપવનદેવ રૂઠી જતાં મઝા મોળી થઇ ગઇ હતી.

હવામાન વિભાગની અાગાહી મુજબ ઉત્તરાયણ પર્વમાં દિવસભર 10થી 15 કિ.મીની ગતિઅે પવન ફુંકાતા પતંગરસીયાઅોને પતંગના પેચ લડાવવામાં મજા અાવશે પણ કોરોના કેસ વધતા સરકારે ઉત્તરાયણની ગાઇડ લાઇન જાહેર કરી છે. જેમા ધાબા પર ભીડ ભેગી થશે તો પોલીસ કાર્યવાહી કરશે. ત્યારે ઉત્તરાયણ પર્વમાં પતંગનો સારો વેપાર થશે તેવી અાશાઅે વેપારીઅોઅે પતંગનો માલ ભર્યો હતો. પણ અા વખતે ઉતરાયણ પર્વમાં ખરીદી ફક્ત 50 ટકા જેટલી નીકળતાં વેપારીઅોમાં નિરાશા સાથે ખોટની ચિંતા જોવા મળી હતી.

ગોધરામાં કોરોનાનું ગ્રહણ અને વધતા પતંગોના ભાવને લીધે બજારમાં ભીડ અોછી દેખવા મળી હતી. પતંગના ભાવમાં ગત વર્ષ કરતા ભાવ વધારો થતાં તેની અસર બજારમંા જોવા મળી હતી. ઉત્તરાયણની અાગલા દિવસે ધરાકી નીકળતાં 50 ટકા જેટલો પતંગનો ધંધો થયો હતો.

ત્યારે ઉત્તરાયણ પર્વ શુક્રવાર બાદ શનિ રવિવારની રજા હોવાથી પતંગ રસીયાઅોને ત્રણ દિવસ પતંગના પેચ લડાવવા મળશે. જયારે ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબીનું વેચાણ કરવા ફરસાણની દુકાનો પણ ઠેરઠેર સજ્જ થયેલી જોવા મળી છે. અા વખતે ઉત્તરાયણમાં ઉધીયું 280 થી 320 રૂપીયાનો ભાવે વેચાણ થશે. ગોધરાવાસીઅો અાશરે 3 હજાર કિલો ઉધીયું ઝાપડશે તેવું અનુમાન લગાવમાં અાવી રહ્યુ છે.

ધાબા પર ભીડ હશે તો પોલીસ કાર્યવાહી કરાશે
કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ પર્વ લઇને સરકારે ગાઇડ લાઇન બહાર પાડી છે. ધાબા પર વધુ લોકોની ભીડ હશે તો કાર્યવાહી કરવામાં અાવશે તેમજ પોલીસ દ્વારા ફલેગ માર્ચ કાઢવામાં અાવી હતી. અને ઉત્તરાયણના દિવસે ધાબા પર ભીડ કરીને જાહેરનામાનો ભંગ કરશે અને પોલીસને ફરીયાદ મળશે તો પોલીસ કાર્યવાહી કરશે.

દાહોદ શહેરમાં પતંગ-દોરાનો બે દિવસમાં ત્રણ કરોડ રૂપિયાનો વેપાર
દાહોદ શહેરમાં પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 25થી 30 ટકાનો વધારો થયો છે. હોલસેલ અને રીટેલમાં પતંગ-દોરાનો વેપાર કરતાં વેપારીઓના જણાવ્યા અનુસાર પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે. કાચો માલ મોંઘો બનતા પતંગ,દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર સાથે કોરોના ઈફેક્ટ પણ નડ્યો છે.

પતંગ ઉડાવવાઅંગે નિષ્ણાતની ટિપ્સ : ઓછી હવા હોય ત્યારે પ્લાસ્ટિકનો પતંગ ઉડાવવો જોઈએ...
દાહોદમાં દર વર્ષે 18 ફૂટનો પતંગ બનાવીને તેને ચગાવતા તેમજ પતંગ ઉડાવવામાં નિષ્ણાંત એવા દાહોદ કોલેજના પ્રોફેસર કે. ટી જોશીએ પંતગ ઉડાવવાની કલાઓ બતાવી હતી...

ઓછી હવા હોય ત્યારે સામાન્ય રીતે પ્લાસ્ટિકનો પતંગ ચગાવવામાં સરળતા રહે છે. ને સામાન્ય આંચકા મારીને ચગાવી શકાય ને ખેંચી ને પતંગ કાપવામાં સરળતા રહે છે. હા, પવન વધારે હોય તો સામાન્ય રીતે મીડિયમ સાઈઝના પતંગ ચગાવવા જોઈએ. જેમાં પણ સામાન્ય રીતે બહુ દોરીની ઢીલ આપવી નહીં કારણકે પતંગ નિયંત્રણની બહાર થઈ જશે, તૂટી પણ જાય અથવા ફાટી પણ શકે છે.

એટલે ઓછી દોરીની ઢીલ આપીને ચગાવવી જોઈએ. તેમાં પણ પેચ વખતે ખેંચનાર ફાવી શકે છે. પવન વધારે હોય તો પેચ વખતે ઢીલ બિલકુલ ના આપવી જોઈએ કારણકે એક તો એમાં પરિણામમાં વાર લાગશે ને કાપ્યા પછી પણ કાપનારનો પતંગ પાછો ના પણ આવે. ૢ બીજું કે પવન વધારે હોય તો સૌથી વધારે કાળજી તમારી આંગળીઓની રાખવી જોઈએ.

શક્ય હોય તો બેન્ડેડના પટ્ટા બધી જ આંગળીઓ પર 2થી ત્રણ આંટા લપેટી દેવા જોઈએ. પતંગ ચગાવવામાં સૌથી અગત્યનું કામ કિન્ના બાંધવાનું છે. તે મારી દ્રષ્ટિએ 2 પ્રકારથી બાંધી શકાય એક ઝીરો ઝીરો એટલે કે પતંગમાં ઉપર ને નીચેની કિન્નાની ગાંઠ વચ્ચેનું અંતર એક સરખું હોય. સામાન્ય રીતે જેમને ખેંચીને પતંગ કાપવાની આદત હોય એમના માટે આ શ્રેષ્ઠ રીત છે. બીજું કે કિન્ના વચ્ચેનું અંતર પણ એટલું જ મહત્વનું હોય છે. સામાન્ય રીતે પુખ્તવયની વ્યક્તિની એક વેંત જેટલું અંતર તો હોવું જ જોઇએ.

મકરસંક્રાતિના દિવસે બાર રાશિના જાતકો દાન કરીને પુણ્ય મેળવશે
ગોધરા : સંક્રાતિમાં બારે રાશિના જાતકોઅે કયા પ્રકારનું દાન કરવુ જોઇઅે તે ગોધરાના લાલબાગ મંદિરના દિલીપ મહારાજ જણાવી રહ્યા છે....

મેષ- કર્ક- વૃશ્વિક રાશિ : તાંબાના પાયે બેસે છે.લાલ વસ્ત્ર, લાલ પીતાબંરી, ગોળ, સિંગ, તાંબાના વાસણોનું દાન અાપવું. વૃષભ- કન્યા- ધન- રાશિ : રૂપાના પાયે બેસે છે. સફેદ વસ્ત્ર, ધોતી, ઝભ્ભો, દૂધ, ચોખા, સાકર, ચાંદીની ગાય,ચાંદીના વાસણો, તુલસી કયારાનું દાન અાપવું. મિથુન- તુલા- કુંભ રાશિ : લોઢાના પાયે બેસે છે. કાળી વસ્તુ,કાળા વસ્ત્રો, કાળા તલ, કાળા અડદનું તથા લોખંડના વાસણનું દાન અાપવું. સિંહ- મકર- મીન રાશિ : સોના પાયે બેસે છે.પીળા વસ્ત્રો, પીળો ગોળ, પીત્તળના વાસણો, પિતાબંર , સોનાનું દાન અાપવું.

પવતની ગતિ 10-15 કિમી વચ્ચે હશે
ઉત્તરાયણના દિવસે હવામાન વિભાગ દ્વારા પવનની ગતિ 10થી 15 કિ.મી વચ્ચે રહેવાની શકયતાઅો સેવી રહ્યા છે. જેને લઇને જિલ્લાના પતંગ રસિયાઅો ગેલમાં અાવી ગયા છે. દર ઉત્તરાયણના અાગલા દિવસોમાં જ સારો પવન હોય છે. પણ અા વખતે ઉત્તરાયણે અને તેના પછીના દિવસે પણ અેક સરખી ગતિથી પવન ફુકાશે.

ઘાયલ પક્ષી માટે 1962 ડાયલ કરો
પતંગના દોરાથી પક્ષીઅો ભોગ બનતા હોય છે. દર વર્ષની જેમ અા વર્ષે પણ કરૂણા અભિયાન હેઠળ પક્ષીઅોને બચાવવા તાલુકા દીઠ ટીમો બનાવાઇ છે. દોરાથી ઘાયલ થતાં પક્ષીઅોને બચાવવા પશુચિકિત્સક તૈનાત રહેશે. કોઇ ઘાયલ પક્ષી મળી અાવે તો ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરતાં તાત્કાલિક નિશુલ્ક સારવાર માટે અાવી જશે.

અન્ય સમાચારો પણ છે...