ગુજરાત વિધાનસભા ઇલેક્શનના બીજા તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે તારીખ 17 નવેમ્બર ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. કેટલાંક રાજકિય પક્ષના ઉમેદવારોએ તો શુભ મૂહૂર્ત જોઇને કે પક્ષની સુચના મુજબ પહેલાં જ ફોર્મ ભરી દીધા છે. જોકે, હજી કેટલાંક ઉમેદવારો ફોર્મ ભર્યા વગર હાલમાં પણ બાકી છે ત્યારે ગુરુવારે ફોર્મ ભરવા માટે પડાપડીના એંધાણ સાથે છેલ્લી ઘડીએ ઘણા ઉમેદવારોના ફોર્મ ન ભરાય એવી પણ સ્થિતિ સર્જાય તેવી વકી છે.
ઉલ્લેખનિય છે કે, ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ દાહોદ જિલ્લાની તમામ છ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. નામ જાહેર થયેલા છે તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે પણ તમામ રાજકિય પક્ષમાંથી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. મેન્ડેટ જેના નામનું હશે તે ઉમેદવારનું જ ફોર્મ માન્ય રહેશે. ફોર્મ ભરવાની 17મી તારીખ છેલ્લી છે.18મી તારીખે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 21મી તારીખે ઉમેદવાર પોતાનું ફોર્મ પાછુ ખેંચી શકશે.21મી તારીખના રોજ દાહોદ જિલ્લાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
બુધવારે દાહોદમાં વિધાનસભા ચૂંટણી માટે એક પણ ફોર્મ ના ભરાયું
બુધવારના રોજ દાહોદમાં એક પણ ફોર્મ ભરાયુ ન હતું. દેવગઢ બારિયામાં પ્રજા વિજય પક્ષ તરફથી સામંતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યુ હતું. લીમખેડામાં કોંગ્રેસ પક્ષ તરફથી રમેશકુમાર ગોંદીયા અને પરેશકુમાર ગોંદીયાએ ફોર્મ ભર્યુ હતું. જ્યારે આમ આદમી તરફથી તરૂલતાબેન હઠીલાએ પણ ફોર્મ ભર્યુ હતુ. ગરબાડામાં આંમ આદમી પાર્ટી તરફથી સુભાષભાઇ ડામોરે ફોર્મ ભર્યુ હતું. ઝાલોદમાં આમ આદમી પાર્ટી તરફથી અનીલભાઇ ગરાસિયાએ ફોર્મ ભર્યુ હતુ અને ફતેપુરામાં પણ આમ આદમી પાર્ટી તરફથી જીગ્નાશાબેન પારગીએ પણ ફોર્મ ભર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.