કોરોના ઇફેક્ટ:દાહોદમાં આજે તાજિયા અને મંગળવારે ગણપતિ વિસર્જન સાદગીપૂર્ણ રીતે યોજાશે

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને કલેક્ટરે જાહેરનામું પ્રકાશિત કર્યું હતું

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને દાહોદ ખાતે આજે રવિવારે તાજીયા વિસર્જન અને મંગળવારે ગણપતિ વિસર્જનના કાર્યક્રમો અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજાશે.તાજેતરમાં દાહોદ સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ બેહદ માત્રામાં વધ્યું છે ત્યારે દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ પ્રકાશિત કરેલ જાહેરનામા મુજબ દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણપતિ વિસર્જન કાજે નીકળતી પરંપરાગત શોભાયાત્રા અને ઝાંખીઓ અને સાથે સાથે તાજીયાના જાહેરમાં નીકળતા જુલુસો અને ઝાંખીઓ ઉપર પ્રતિબંધ મુકી તે બંનેના જાહેર વિસર્જન ઉપર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે.

જો કે આ વર્ષે શહેરમાં મોટાભાગના જાહેર અને મોટા ગણાતા ગણેશોત્સવ કોરોનાના કારણે બંધ રખાયા છે. તે બદલે મોટાભાગના ભક્તો દ્વારા માંડ એકથી દોઢ ફૂટના અને તે પણ માટીમાંથી બનેલ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓની જ સ્થાપના કરવામાં આવી છે તે નોંધનીય બાબત છે. તો મોટાભાગના ભક્તોએ પોતાને ત્યાં સ્થાપિત કરેલ ગણેશ પ્રતિમાઓને આનંદ ચૌદશના દિવસે મંગળવારે પોતાના ઘરોમાં જ મોટા પાત્રમાં કે ઘરમાં રાખવામાં આવેલ છોડના કુંડામાં જ વિસર્જીત કરવાના છે તેવી માહિતી ‌મળી છે. તો શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં પણ નાના તાજીયા બનાવી ઘરોમાં સ્થાપના કરાઇ છે.

તાજીયાને પણ આ વર્ષે જાહેરમાં મોટા પાયે જુલુસ કાઢી વિસર્જિત કરવા બદલે ઘરે જ વિસર્જન સાથે કબ્રસ્તાનમાં દફનવિધિ કરવાની પ્રક્રિયા હાથ ધરાનાર હોવાની માહિતી મળી છે. આ વર્ષે છેલ્લા ચાર-પાંચ મહિનાથી ચાલતા કોરોનાલક્ષી સોશિયલ ડિસ્ટન્સિંગ અને જાહેર મેળાવડા ઉપર પ્રતિબંધ સાથે જાહેરમાં વધુ વ્યક્તિઓ એકઠા થવાથી ઉલટાનું કોરોનાનું સંક્રમણ વધવાની કલેકટરના જાહેરનામામાં દર્શાવેલ ભીતિને ધ્યાને લઈ મોટાભાગના દાહોદવાસીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. અને પરંપરાગત રીતે ગણેશ કે તાજીયાના વિસર્જન બદલે “સ્વચ્છ દાહોદ, સ્વસ્થ દાહોદ”ની પરિકલ્પના સાચી પાડવાની મક્કમતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...