રોયલ્ટી ચોરી:દાહોદના લીમખેડા-લીમડી હાઈવે પર ગેરકાયદેસર રેતી લઈ જતી ત્રણ ટ્રકો ઝડપાઇ, રૂપિયા 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેયને મળી રૂપિયા 6 લાખનો દંડ ફટકારતાં રોયલ્ટી ચોરોમાં ફફડાટ ફેલાયો દેવગઢ બારીયા પંથકમાંથી તંત્રની ઢીલી નીતિને લીધે રેતીનુ ગેરકાયદેસર ખનન

દાહોદ જિલ્લાના દુધીયા ગામ નજીક લીમખેડા-લીમડી હાઈવે રોડ પર ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતુ .જેમાં ટીમે ગેરકાયદેસર રીતે વહન કરતી ત્રણ રેતી ભરેલી ટ્રકોને ઝડપી પાડતાં દાહોદ જિલ્લા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ચોરો પાસેથી કુલ રૂપિયા 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રૂપિયા 6 લાખનો દંડ ફટકારવામા આવ્યો છે.

લાંબા સમય બાદ જાગેલી ખાણ ખનીજ વિભાગની ટીમે આજે બુધવારે દાહોદ જિલ્લાના દુધીયા ગામ નજીક આવેલ લીમખેડા-લીમડી હાઈવે રોડ પર બાજ નજર રાખી હતી. આ દરમિયાન ત્યાંથી ત્રણ રેતી ભરેલી ટ્રકો પસાર થતાં ખાણ ખનીજની ટીમ દ્વારા પુછપરછ કરાતાં આ ત્રણેય ટ્રકોમાં ગેરકાયદેસર રેતીનું વહન થતું હોવાનું સામે આવ્યું હતું. રોયલ્ટી વિના તેમજ ઓવરલોડ રેતી ભરીને વહન કરવામાં આવતું હોવાનું ઝડપાયુ છે. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આ ત્રણેય રેતી ભરેલી ટ્રકોને કબજે કરાઈ હતી.

બે ટ્રકોને લીમખેડા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી છે, જ્યારે એક ટ્રકને દાહોદ ખાણ ખનીજ કચેરીએ લઈ જવાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ખાણ-ખનીજ વિભાગે કુલ રૂપિયા 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયને કુલ રૂા. 6 લાખનો દંડ ફટકાર્યો છે. દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનન કરતાં રેત માફિયાઓ વર્ષોથી બેફામ બની રહ્યાં છે, પરંતુ નિંદ્રાધીન ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં રેત ખનન કરતાં તત્વો સામે હજુ પણ લાલ આંખ કરી કાર્યવાહી ન કરાતાં અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. માત્ર એકલ દોકલ ટ્રકોને ઝડપી પાડી પોતાના સરકારી ચોંપડે નોંધણી કરતાં હોવાની પણ છડેચોક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ખાસ કરીને દેવગઢ બારીયા તાલુકામાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતીનું વહન થતું હોય છે, તેનાથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે દેવગઢ બારીયાના નદીપટ પરથી ગેરકાયદેસર સ્થાનિક વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ જ રેત માફિયાઓ દિવસ રાત ગેરકાયદેસર રેતી વહન કરતાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...