ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ગાબડું:દાહોદ પાલિકાના વોર્ડ નંબર 3ના ત્રણ નગરસેવકો હાથનો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે 36 સભ્યોની પાલિકામાં ભાજપાના 34 થયા, કોંગ્રેસ માત્ર 2 પર રહી ગઈ

દાહેોદમાં આજે ભાજપાના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરતાં પહેલા જંગી સભા બોલાવી હતી. આ સભામાં કોંગ્રેસના એક જ વોર્ડના ત્રણ નગર સેવકો ભાજપામાં જોડાઇ જતાં હવે પાલિકા કોંગ્રેસ મુક્ત થવા તરફ જઇ રહી હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે હવે પાલિકામાં બે જ કોંગી નગર સેવકો બાકી રહ્યા છે.

દાહોદ પાલિકાનું કોંગ્રેસ મુક્ત થવા તરફ પ્રયાણ
ભાજપામાં હાલમાં ચુંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તારીખ 15 નવેમ્બરના રોજ ભાજપાના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીએ ઉમેદવારી કરતા પહેલા ઇન્દોર હાઇવે પર એક સભાનું આયોજન કર્યુ હતુ.જેમાં નોંધપાત્ર સંખ્યામાં જનમેદની એકઠી થઇ હતી.આ સભામાં જ કોંગ્રેસના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ચુંટાયેલા નગર સેવકો કાઇદ ચુનાવાલા, ઇશ્તીયાક સૈયદ અને લક્ષ્મીબેન ભાટે જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયારના હસ્તે કેસરિયો ધારણ કરી લેતાં શહેર કોંગ્રેસમાં ભારે ભુકંપ સર્જાયો છે.કારણ કે હવે 36 નગર સેવકોની પાલિકામાં ભાજપનું સંખ્યાબળ 31 થી વધીને 34 થઇ ગયુ છે જ્યારે કોંગ્રેસ પાંચથી ઘટીને બે જ રહી ગયુ છે ત્યારે પાલિકા હવે કોંગ્રેસ મુક્ત થવા જઇ રહી હોવાનુ ભાજપાના આંતરિક વર્તુળોમાં ચર્ચાતુ હતુ.

પાલિકા ચુંટણીમાં બળવો કરનારાની ઘર વાપસી
બીજી તરફ ગત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપ સામે બળવો કરનારાની પણ ઘર વાપસી થઇ ગઇ છે.જેમાં કેસરબેન યાદવ, બુરહાન ચુનાવાલા હાર્ડવેર,વોર્ડ નં 4 માંથી અરવિંદ ચોપડા, પાંચમા વોર્ડમાંથી પૂર્વ નગર સેવિકા પુષ્પા ઠાકુર,વોર્ડ નં 6 માંથી સ્વપ્નિલ દેસાઇ,વોર્ડ નં 7 માંથી સતીષ પરમાર, વોર્ડ નં 9 માંથી પૂર્વ પાલિકા પ્રમુખ વિદ્યાબેન મોઢીયા યહિત ઘણાં કાર્યકરોને ભાજપામાં પુનઃ સમાવી લેવાયા છે.

ગરબાડાના જિલ્લા, તાલુકા પંચાયતના અપક્ષ સભ્યો પણ ભાજપામાં ભળી ગયા
​​​​​​​
ગરબાડા તાલુકામાં ઝરી બુઝર્ગ બેઠક પરથી અપક્ષ ચુંટાયેલા જિલ્લા પંચાયત સભ્ય કમલેશ માવી અને તેમની સાથે ત્રણ તાલુકા પંચાયત બેઠકોના અપક્ષ સભ્યેોએ આજે ભગવો ધારણ કરી લીધો હતો.કેટલાક સરપંચો પણ ભાજપમાં જોડાયા હતા ત્યારે આગામી સમયમાં પણ કોંગ્રેસમાંથી વધુ વિકેટો પડવાની સંભાવના નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...