દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામે પેસેન્જર ભરેલા છકડાને ટ્રકે અડફેટે લેતાં ચાલક સહિત ત્રણ લોકો ઘયાલ થયા હતા. અકસ્માત સર્જી ચાલક ટ્રક ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયો હતો. દેવગઢ બારિયા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સામ સામે બંન્ને વાહનો ટકરાયા
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બારીયા રોડ ઉપર ટેકરા ફળિયામાં રહેતા ફિરોજભાઇ મહંમદભાઇ ઘાંચી તા.28 નવેમ્બરના રોજ પોતાના જીજે-17-વીવી-2980 નંબરના છકડામાં પીપલોદ ગામેથી પેસેન્જર બેસાડી દેવગઢ બારિયા તરફ આવતા હતા . તે દરમિયાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ડાંગરીયા ગામે સામેથી આવતી આરજે-03-જીએ-1966 નંબરની ટ્રકના ચાલકે પોતાના તાબાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી છકડાને ટક્કર મારી એકસ્માત કરી ટ્રક ઘટના સ્થળે મુકી નાસી ગયો હતો.
બે મુસાફરો છકડામાં ફસાઈ ગયા હતા
જેમાં ફિરોજભાઇ તથા છકડામાં સવાર પેસન્જર ફંગોળાઇને નીચે પડી ગયા હતા. તેમાં ફિરોજભાઇ ઘાંચીને કમ્મરના ભાગે ઇજાઓ થઇ હતી. ત્યારે છકડામાં બેસેલા પેસેન્જર યામીનભાઇ ફારૂકભાઇ દહીકોટીયા તથા સુનિલભાઇ ભીમસીંગભાઇ છકડામાં ફસાઇ ગયા હતા. ફિરોજભાઇએ અકસ્માતની જાણ તેમના કુટુંબાના સભ્યોને કરતાં તેઓને તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા અને છકડામાંથી ફસાઇ ગયેલા પેસેન્જરોને બહાર કાઢ્યા હતા. જેમાં યામીનભાઇ દહીકોટીયા તથા સુનિલભાઇને માથામાં તથા શરીરે ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક દેવગઢ બારિયા સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે ફિરોજભાઇ મહંમદભાઇ ઘાચીએ અકસ્માત કરી ટ્રક મુકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.