કાર્યવાહી:ST વિભાગના ટ્રીપ કેન્સલ કૌભાંડમાં ગરબાડા-ધાનપુરના ત્રણની ધરપકડ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એસટી વિભાગના ટ્રીપ કેન્સલ કૌભાંડમાં સુરત સાઇબર સેલ દ્વારા પકડવામાં આવેલા એજન્ટો. - Divya Bhaskar
એસટી વિભાગના ટ્રીપ કેન્સલ કૌભાંડમાં સુરત સાઇબર સેલ દ્વારા પકડવામાં આવેલા એજન્ટો.
  • સુરતના ડેપો મેનેજરના આઇડી, પાસવર્ડ ચોરીને રેકેટ ચલાવવામાં આવતું હતું
  • ગરબાડા,ધાનપુર, ગોંડલથી ધરપકડ સર્વેલન્સમાં 60 ટ્રીપ કેન્સલ કરીને રૂપિયા 1.58 લાખની હયગયનો પર્દાફાશ
  • એજન્ટો, કન્ડક્ટર સહિત 5ની ધરપકડ

સુરતના ડેપો મેનેજરનો પાસવર્ડ અને આઇડી ચોરીને એસ.ટી વિભાગમાં બુકિંગ કર્યા બાદ ટ્રીપને કેન્સલ બતાવીને રિફંડ મેળવવાનું રેકેટ ચલાવાતુ હતું. આ બાબતની તપાસ સુરતના સાઇબર સેલને સોંપવામાં આવતાં તેમાં ગરબાડા અને ધાનપુર તાલુકાના ત્રણ એજન્ટો સાથે કુલ પાંચની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે દાહોદ શહેરમાંથી પણ કેટલાંક એજેન્ટોને ઉપાડ્યા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એસટી ડેપોના મેનેજર વિરેન્દ્ર પવારના આઈ.ડી અને પાસવર્ડની ચોરી કર્યા બાદ તેનો ઉપયોગ કરી એસ.ટી. બસની ઓનલાઈન ટિકિટ રદ્દ કરીને રૂપિયા સેરવી લેવાનું કૌભાંડ આચરવામાં આવતુ હતું. આ બાબતની જાણ થયા બાદ સુરતના સાયબર સેલમાં 6.12 લાખ રૂપિયાના કૌભાંડની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનામાં સાયબર સેલના ટેકનિકલ સર્વેલન્સમાં હાલમાં 60 ટ્રીપનું બુકિંગ રદ કરીને તેના રિફંડ પેટે 1.58 લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે.

આ કૌભાંડ પ્રકરણમાં ટિકીટ બુકિંગ કરનારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ગામના શિવનગર ખાતે રહેતાં ચિંતન સંજયભાઇ પંચાલ, ગરબાડા તાલુકાના નળવાઇ ગામના મોહનિયા ફળિયામાં રહેતાં વિપુલ ભગાભાઇ મોહનિયા અને ધાનપુર તાલુકાના મંડોર ગામના નલવાયા ફળિયામાં રહેતાં સુરેશ કરણભાઇ મકવાણા સાથે મૂળ કાલાવડના અને હાલ ગોંડલ ખાતે જીત સોસાયટીમાં રહેતાં સુરેશ જનકસિંહ જાડેજા, ગોંડલ ડેપોના બસ કંડક્ટર અને જામનગરના કાલાવડના રહેવાસી અનવર મોહંમદયુસુફ આકબાણીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં કદાચ રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાંથી પરગામોમાં મજૂરી કામ કરવા જવા માટે આખું વર્ષ આદિવાસી મજૂરો સ્થળાંતર કરતા હોય છે. હવે નિયમ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાંથી જ બસની ઓનલાઇન ટિકિટ બુક થઇ જતી હોય છે. ત્યારે આ બાબતનો લાભ કેટલાક એજન્ટો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, દાહોદ શહેરનો એસટી ડેપો હોળી- દિવાળી જેવા તહેવારો દરમિયાન રાજ્યભરમાં મોખરાની આવક ધરાવતો ડેપો છે. આ ડેપોમાં મહત્તમ બસો ઓનલાઇન બુકિંગ દ્વારા જ ભરવામાં આવતી હોય છે. ત્યારે અહીં આ એસટી વિભાગના ટ્રીપ કેન્સલ કૌભાંડમાં હજી કેટલાં પડળ ખુલે છે તે જોવું રહ્યું

દાહોદથી પણ એજન્ટોને ઉપાડ્યા હોવાની ચર્ચા
ટ્રીપ કેન્સલ કૌભાંડમાં દાહોદના ગ્રામ્ય વિસ્તારના જ નહીં બલકે દાહોદ શહેરના પણ કેટલાંક એજન્ટોની સંડોવણીની ચર્ચાઓ ચાલી રહી છે.ત્યારે સોમવારના રોજ ફરીથી દાહોદ આવેલી સુરતની સાયબર સેલની ટીમે દાહોદ શહેરમાંથી પણ કેટલાંક એજન્ટોને ઉપાડ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ એજન્ટોની સંડોવણી છે કે તેમને પૂછપરછ માટે ઉપાડ્યા છે તે તપાસ બાદ જ સામે આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...