તસ્કરી:મોટીમલુમાં દુકાનમાં બાકોરું પાડી ચોરી, અવાજ થતાં જાગી ગયેલા દંપત્તિને ચોર ઇસમોએ માર માર્યો

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામના જ ચોર યુવકને ઓળખી જતાં ફરિયાદ, રૂા.25 હજાર ઉપરાંતની ચોરી

ધાનપુર તાલુકાના મોટીમલુ ગામના વીનુભાઇ મકાભાઇ મેડા તથા તેમની પત્ની મંથલીબેન ઉર્ફે મેથલીબેન અને તેમની ચાર છોકરીઓ શનિવારની રાત્રે જમી પરવારી દુકાનમાં સુઇ ગયા હતા. ત્યારે રાત્રીના સમયે ચોર ઇસમો હાથમાં લાકડીઓ લઇ ચોરી કરવા દુકાનની દીવાલમાં બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં દુકાનમાં અવાજ થતાં વીનુભાઇના પત્નીની આંખ ખુલી જતાં દુકાનની અંદર તથા ઘરમાં આશરે છ લોકો હાથમાં દંડા લઇને ઉભેલા હતા.

જેમાંથી એક ચોર દોડી આવી મંથલીબેનના મોઢા ઉપર ચાદર નાખવા આવતાં તેને ઓળખી કાઢ્યો હતો. તેમના ગામનો વનેશ પાંગળા મેડાએ અવાજ કરીશ તો જાનથી મારી નાખીશ દેવી ધમકી આપી મોઢા ઉપર ચાદર ઓઢાડી લાકડાનો ગોધો મારી જમણી આંખે ઇજા કરી હતી. ચોર ઇસમોએ વીનુભાઇ ઉપર ચાર નાખી ગડદાપાટુનો માર મારી પગ ભાંગી નાખ્યો હતો. તેમજ લાકડીઓ વડે કમર તથા પગે ઇજા પહોંચાડી દુકાનનો સરસામાન વેરવીખેર કરી દુકાનમાં રાખેલ ડબ્બામાં મુકી રાખેલ બચતના રોકડા રૂપિયા 25 હજાર તથા દુકાનના ગલ્લામાં મુકી રાખેલ રોકડા રૂપિયા ચોરી કરી ભાગતા હતા.

ત્યારે વીનુભાઇએ બૂમાબૂમ કરતાં તેમના દરવાજા પાછળ મુકી રાખેલ કુહાડી લઇ મારી દેતાં કાન ઉપર ઇજા થઇ હતી. તેમજ કુહાડીનો બીજો ઘા કરતાં જતાં પકડી પાડતાં હથેળીમાં ઇજા થઇ હતી. લૂંટારૂઓ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાગી ગયા હતા. આ સંદર્ભે મંથલીબેન ઉર્ફે મેથલીબેન વીનુભાઇ મેડાએ ઓળખી લીધેલા મોટીમલુ ગામના વનેશભાઇ પાંગળાભાઇ મેડા વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...