દાહોદ જિલ્લાની ગુનાખોરી કરતી ટોળકીઓએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોરી, લૂંટ અને ધાડના ગુના આચર્યા છે. ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા સાથે આંધ્રપ્રદેશ અને કર્નાટક પોલીસને પણ અહીંના ગુનેગારોની તલાશ છે. આ ગુનેગારોને પકડવા માટે આ તમામ પોલીસ દાહોદના ગામડાંના આંટાફેરા મારી રહી છે.
દાહોદ જિલ્લો ગુનાખોરી અને ગુનેગારો માટે પંકાયેલો છે.અહીંના ગ્રામ્ય વિસ્તારની ચોરી લૂંટ કરતી ટોળકી માત્ર જિલ્લાની જ પ્રજાને નથી રંઝાડતી પરંતુ તે આખા રાજ્યના વિવિધ શહેરોમાં આ ચોરી લૂંટની ઘટનાઓને અંજામ આપતી હોય છે. ચોરી, લુંટ કે ધાડનો ગુનો બન્યા બાદ જે તે શહેરની પોલીસ ગુનો તો ઉકેલી લે છે પરંતુ તે ટોળકીના પૂરે-પૂરા સભ્યો તેમના હાથ લાગતાં નથી. આવા વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે રાજ્યના વિવિધ શહેરની પોલીસ સમયાંતરે દાહોદ જિલ્લામાં આવતી હોય છે. પરંતુ હોળીના આ સમયમાં રાજ્યના વિવિધ શહેરોની પોલીસના આંટાફેરા વધી ગયા છે.
અહીં એક કહેવત છે કે‘‘દિવાળી અઠેકઠે પણ હોળી તો ઘરની જ’’ તે અનુસાર મજુર વર્ગ હોય કે ગુનાખોર ટોળકીના સભ્યો તેઓ હોળીનો તહેવાર કરવા માટે વતનમાં અવશ્ય આવતાં હોય છે. આ સમયનો લાભ લઇને પોતાના ચોપડે વોન્ટેડ બોલતાં ગુનેગારોને પકડવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોની પોલીસ અહીં ખડકાઇ રહી છે.
બહારથી આવેલી પોલીસ દ્વારા વોન્ટેડ ગુનેગારોના ઘરે કોમ્બિંગ કરવામાં આવે છે. જોકે, ગુનેગારો પકડવા માટે ક્યારેક ધીરજ રાખીને અહીં જ રોકાણ કરવું પડે છે અને ક્યારેક વીલે મોઢે પણ ફરવું પડતું હોય છે. જિલ્લામાં પોલીસ ઉતરી પડતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે પોલીસ જોઇ લોકો ભુગર્ભમાં જતાં રહે છે.
સપ્તાહમાં દસ વોન્ટેડ મળી આવ્યા
એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, ક્યુઆરટીની ટીમો બનાવી એસઆરપીને પણ જોતરવામાં આવી છે. સ્થાનિક પોલીસ મથકની ટીમો પણ તૈયાર કરવામાં આવી છે. બાતમીદારો ઉભા કરાયા છે. વોન્ટેડ આરોપીઓના ઘરે અને આશ્રયસ્થાનો ઉપર દરરોજ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.
બહારના જિલ્લા કે રાજ્યમાંથી આવતી પોલીસને પણ સહકાર આપીને વોન્ટેડ આરોપીઓ પકડવામાં મદદ કરાઇ છે. કર્નાટક અને આંધ્રથી આવેલી પોલીસની મદદમાં રહેતાં બે વોન્ટેડ બે દિવસ પહેલાં જ પકડાયા હતાં. છેલ્લા એક સપ્તાહમાં ઘરે આવેલા દસેક વોન્ટેડ પકડાઇ ચુક્યા છે. બલરામ મીણા, એસ.પી,દાહોદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.