બે મહિનામાં બીજી મુલાકાત:​​​​​​​દાહોદમાં જિલ્લા ભાજપના સ્નેહ મિલન સમારોહમાં પ્રદેશ ભાજપ પ્રમુખની થશે પધરામણી

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 નવેમ્બરે કાર્યક્રમ, બે મહિનામાં બીજી વખત દાહોદ આવશે પાટીલ બીજા જિલ્લાઓમાં સીએમ જતા હોવાથી અને દાહોદમાં પાટીલ આવતા હોવાથી ચર્ચા

દાહોદ જિલ્લામાં સ્નેહ મિલન સમારંભ ચાલી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પણ 23 નવેમ્બરે આવા જ એક કાર્યક્રમમાં આવી રહ્યા છે. આમ બે મહિનામાં તેમની દાહોદની બીજી મુલાકાત હોવાથી રાજકીય આલમમાં ચર્ચાઓ શરૂ થઈ છે. દાહોદ જિલ્લામાં વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ પાસે ત્રણ ત્રણ બેઠકો હોવાથી સ્થિતિ 50-50 ટકા છે. જ્યારે ભાજપ તમામ બેઠકો જીતવાનો દાવો કરે છે, ત્યારે કોંગ્રેસ પણ પોતાનું પ્રભુત્વ અકબંધ રાખવાની વેતરણમાં છે. જો કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હોવાથી ગામડાઓમાં પણ હવે કોંગ્રેસ માટે કપરા ચઢાણ લાગી રહ્યા છે. ભાજપે સંગઠનની સંરચના લગભગ પૂર્ણ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ તેની જૂની ઘરેડમાંથી બહાર આવી શકતી ન હોવાનો રાજકીય મત પ્રવર્તી રહ્યો છે. તેવા સમયે ભાજપાના કાર્યક્રમોની ભરમાર ચાલી રહી છે.

આવા સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 23 નવેમ્બરના રોજ જિલ્લાના સ્નેહ મિલન સમારોહમાં આવી રહ્યા છે. જેથી આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. આ પહેલા ઓક્ટોબરમાં પણ તેઓ એક શાળાના લોકાર્પણમાં આવ્યા હતા. આમ બે માસના ટુંકા સમયમાં જ આ તેમની બીજી મુલાકાત હોવાથી રાજકીય પંડિતો તેનું ગણિત માંડી રહ્યા છે. કારણ કે હાલમાં સ્નેહ મિલન સમારોહમાં મુખ્યમંત્રી જઈ રહ્યા છે, પરંતુ દાહોદમાં પાટીલ આવી રહ્યા હોવાથી કાર્યકર નેતાઓમાં પણ આ વિષય ચર્ચાઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ પણ 14 નવેમ્બરના રોજ કોંગી નેતાના પુત્રના લગ્નમાં આવ્યા હતા, ત્યારે જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે રાજકારણ ગરમાઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...