ચોરીનો ગુનો:ઘરની પાછળની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરો ઘરમાં બાંધેલી બકરી ચોરી ગયા

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાપટીયા અને લખણાગોજીયાના વ્યક્તિઓ સામે ચોરીનો ગુનો નોંધાવ્યો
  • દંપતી ઘરના આગળના ભાગે નિંદ્રાધિન હતુ અને તસ્કરો ખેલ કરી ગયા

ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના રમણભાઇ શંકરભાઇ નાયક તથા તેમના પત્ની કૈલાસબેન સાથે ગામના જ રહેતા જમાઇ વિક્રમભાઇ જશવંતભાઇ નાયકના ઘરે હાજર હતા. ત્યારે રાત્રે 10 વાગ્યાના અરસામાં રમણભાઇ તથા તેમના પત્ની ઘરની આગળ ખાટલા રાખી ખુલ્લી જગ્યામાં સૂતા હતા. તે દરમિયાન અજાણ્યા ચોરોએ તેમના ઘરની પાછળની દીવાલમાં બાકોરૂ પાડી ઘરની અંદર પ્રવેશ કરી ઘરની અંદર બાંધેલી 10,000 રૂપિયાની બે બકરીઓ ચોરી કરી લઇ ગયા હતા.

રાત્રીના એક વાગ્યાના અરસામાં ઘરમાં વાસણ ખખડવાનો અવાજ થતાં તેઓ ઉઠીને અંદર જતાં ઘરની પાછળની દિવાલમાં બાકોરૂ પાડેલુ જોવા મળ્યું હતું અને ઘરમાં બાંધેલ બે બકરીઓ જોવા મળી ન હતી. ત્યારે સવારે ઝાપટીયા ગામના લખમણભાઇ દીપસીંગભાઇ નાયકનો જણાવેલ કે તેમના ઘરની બાજુમાં રહેતા પ્રભાત પારસીંગ નાયકે આજે રાતે બે બકરીઓ કોઇ જગ્યાએથી લાવ્યો હોવાનું જણાવતાં રમણભાઇ શંકરભાઇ નાયક તથા રંગીતભાઇ સબુરભાઇ નાયક અને અરવિંદભાઇ મનસુખભાઇ નાયકે ઝાપટીયા ગામે જઇને તપાસ કરતાં પ્રભાતના ઘરે બાંધેલી બે બકરીઓ તેઓની હોવાનું ઓળખી કાઢી હતી.

બકરીઓ વિશે પૂછપરછ કરતાં નરવત ગોપસીંગ નાયક સાથે લખણાગોજીયાથી મકાનની દીવાલમાં બાકોરૂ પાડી ચોરી કરી લાવ્યા હોવાનું પ્રભાતે કબૂલ્યુ હતું. આ સંદર્ભે રમણભાઇ શંકરભાઇ નાયકની ફરિયાદના આધારે ધાનપુર પોલીસે પ્રભાત પારસીંગ નાયક તથા નરવત ગોપસીંગ નાયક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...