દાહોદ શહેરને ખુલ્લી ગટર મુક્ત કરવા સ્માર્ટ સિટી અંતર્ગત ભૂગર્ભ ગટર યોજનામાં શહેરના વિવિધ 38 વિસ્તારો ટેન્ડરમાં જ ન લેવાતાં અહીં કામગીરી થઇ શકી ન હતી. યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ પણ થઇ ગયું હતું. આ કામગીરી પાલિકાને કરવાનું કહેવાતા વિવાદ સર્જાયો હતો. જોકે, વિવાદ અંતે ઘીના ઠામમાં ઘી પડતાં હવે ભૂગર્ભ ગટરની 20.325 કિમીની બાકી રહી ગયેલી કામગીરી નગરપાલિકા દ્વારા જ 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.
34.63 લાખ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી
આ માટે નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ પણ કરી દેવાયો છે. સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત 34.63 લાખ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી હતી. જોકે, આ યોજનામાં સર્વે સમયે ધરાર બેદરકારીને કારણે શહેરના મધ્ય વિસ્તારો સહિતના 38 વિસ્તારો બાકી રહી ગયા હતાં. જેથી આ વિસ્તારોનો યોજનાના ટેન્ડરીંગમાં સમાવેશ થઇ શક્યો ન હતો.
20 એપ્રિલે વડાપ્રધાનના હસ્તે યોજનાનું લોકાર્પણ
એજન્સીએ આ વિસ્તારોને બાકાત રાખીને પોતાની કામગીરી પૂર્ણ બતાવી દેતાં 20 એપ્રિલે વડાપ્રધાનના હસ્તે યોજનાનું લોકાર્પણ પણ કરી દેવાયું હતું. જોકે, ત્યાર બાદ ભૂગર્ભ ગટર યોજના નગર પાલિકાને કરવાનું કહેતાં વિવાદ પણ સર્જાયો હતો. અંતે સમાધાન સધાતા હવે દાહોદ શહેરના તમામ 9 વોર્ડમાં ભૂગર્ભ ગટરની 18 કિમી બાકી બચેલી કામગીરી નગર પાલિકા દ્વારા 15મા નાણાંપંચ અંતર્ગત આવેલી ટાઇડ ગ્રાન્ટની રકમમાંથી કરવામાં આવશે. આ માટે નગર પાલિકા દ્વારા શુક્રવારે સામાન્ય સભામાં ઠરાવ પણ પસાર કરી દેવામાં આવ્યો હતો.
હજુ 9 હજાર હાઉસ કનેક્શન અપાશે
દાહોદ શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી જે વિસ્તારોમાં પૂર્ણ થઇ છે તે કેટલાંક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શન આપી દેવાયા છે. જોકે, શહેરમાં 19 હજાર મિલ્કતો છે જેમાંથી હાલ સુધી 10 મિલ્કતોમાં કનેક્શન આપી શકાયા છે. 9 હજાર મિલ્કતોમાં હજી કનેક્શન આપવાના બાકી છે. ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયે આ મિલ્કતોમાં પણ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ટાઇડ ગ્રાન્ટ શું છે...
સરકાર દ્વારા નગરપાલિકાને પાણીની લાઇન અને ઘન કચરાના નિકાલ માટે આપવામાં આવતી ગ્રાન્ટને ટાઇડ ગ્રાન્ટ કહેવાય છે. 15મા નાણાપંચ અંતર્ગત 22 નવેમ્બર 2021, 23 ફેર્બુરઆરી 2022 અને 30 માર્ચ 2022 અન્વયે પાલિકાને 4 કરોડ 7 લાખ રૂપિયા હપ્તા સ્વરૂપે ગ્રાન્ટ પેટે મળેલા છે. આ ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટરની પાઇપ લાઇનની કામગીરી સાથે હાઉસ કનેક્શન આપવાની કામગીરી પણ કરવામાં આવશે.
નગરના કયા વિસ્તારમાં કેટલાં પાઇપ નાખવામાં આવશે
વિસ્તાર લંબાઇ (મી.) | |
મદની નગર | 3000 |
જન્મભૂમિ સોસા. | 350 |
કામળિયાવાડ | 125 |
મારવાડી ચાલ | 5000 |
ઠક્કર ફળિયા | 500 |
સીંગલ ફળિયા | 250 |
પણદા ફળિયા | 250 |
ન્યૂ રેસીડેન્સી | 750 |
કસ્બા વિસ્તાર | 250 |
ઘાંચીવાડ | 1500 |
રાજ રેસીડેન્સી | 300 |
દ્રષ્ટિ નેત્રાલય | 2000 |
ભીલવાડ વિસ્તાર | 900 |
મંડાવાવ ચોક | 100 |
ફાયર સ્ટેશન સામે | 100 |
સુખદેવ કાકા કોલોની | 900 |
યાદગાર ગલી | 100 |
મહંમદી સોસા. | 300 |
મહાવીર જૈન સોસા. | 300 |
સહજાનંદ રેસીડેન્સી | 250 |
પીરજાદા ગલી | 100 |
રામા હોટલ નીચવાસ | 100 |
હાટકીથી આનંદ નગર | 1500 |
જન્મભૂમિ રેસીડેન્સી | 350 |
દ્રષ્ટિ નેત્રાલય | 800 |
ન્યૂસ્કવેર જીરૂવાલા | 250 |
રાજ રેસીડેન્સી | 250 |
જુના પટેલિયાવાડ | 150 |
ગર્વમેન્ટથી શીરીન એપા. | 200 |
એમ.જી રોડથી પટડી ચોક | 125 |
480 આવાસ | 3000 |
વ્રજધામ સોસા. | 125 |
સીગ્નલ ફળિયા | 200 |
પણદા ફળિયા | 100 |
હજારિયા ફળિયા | 500 |
હજારિયાથી હરિકૃષ્ણ | 1000 |
ભીલવાડા હાઉસિંગ | જરૂરિયાત પ્રમાણે |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.