દાહોદમાં કરૂણાંતિકા:ચોસાલા ગામતળ ગામે નદીમાં ડૂબતા 8 વર્ષના પુત્રને બચાવી માતાએ મોતને વહાલું કર્યું

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રને લઇને કાળીનદીએ કપડાં ધોવા ગઇ હતી માતા

મંગળવારના રોજ ધનતેરસના સપરમાં દિવસે બપોરના સમયે ચોસાલા ગામતળ ગામે સર્જાયેલી કરૂણાંતિકામાં નદીમાં ડુબી રહેલા પોતાના દિકરાને બચાવવા નદીમાં કુદી પડેલ માતાએ પોતાના દીકરાને તો બચાવી લીધો પરંતુ નદીમાં આવેલ ધરામાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. દાહોદ તાલુકાના ચોસાલા ગામે ગામતળ ફળીયામાં રહેતા 31 વર્ષીય સુનીલભાઈ તેજાભાઈ કિશોરીની પત્ની 28 વર્ષીય ઈલાબેન કિશોરી ગતરોજ તેમના આઠ વર્ષીય પુત્ર વૈભવને લઈ બપોરે એક વાગ્યાના અરસામાં ગામની કાળી નદી પર કપડા ધોવા ગઈ હતી.

જ્યારે તે નદીના કીનારે કપડા ધોઈ રહી હતી તે વખતે તેનો દીકરો વૈભવ અચાનક નદીના પાણીમાં પડતા ઉંડા પાણીમાં ડુબવા લાગ્યો હતો. ત્યારે દીકરા વૈભવને બચાવવા માટે માતા ઈલાબેન કિશોરીએ નદીમાં ઝંપલાવ્યું હતું મહામુસીબતે દિકરાને નદીમાંથી બહાર ફેકી બચાવી લીધો હતો. પરંતુ કમનસીબે પોતે નદીના ઉંડા ધરામાં પહોંચી જતાં તેમાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. આસમયે ઈલાબેનને બચાવવા ગામના છોકરાઓ નદીમાં કુદી પડ્યા હતા અને ઈલાબેનને નદીમાંથી બહાર કાઢી લાવ્યા હતા.

પરંતુ તેઓનું વધારે પાણી પી જવાથી તથા ગુંગળાઈ જવાથી મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના પતિ સુનીલભાઈ કિશોરીએ દાહોદ તાલુકા પોલીસ જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત્તક ઈલાબેન કિશોરીની લાશનો કબજો લઈ પી.એમ. માટે ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ સંદર્ભે 174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...