તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:યુવતીનું પેટ ફુલ્યુ તો લાગ્યુ કે પ્રેગ્નેન્સી છે પણ 15 કિલોની 35-25 વ્યાસની ગાંઠ નીકળી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચમુ બાળક આવવાની આશમાં પીડા વેઠી પણ દવાખાને ના બતાવ્યું
  • કેર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની તબીબ ટૂકડી દ્વારા નિદાન બાદ સફળ ઓપરેશન

દાહોદ શહેર નજીક આવેલા એક ગામની યુવતીનું દુખાવા સાથે પેટ ફુલી રહ્યુ હતું. વસ્તારમાં પાંચમું બાળક અવતરશે તેવુ સમજનારી યુવતીની પીડા વધતા અંતે દવાખાને બતાવતા નિદાન બાદ તેના પેટમાંથી 15 કિલો વજન અને 35-25 સેમી વ્યાસ ધરાવતી ગાંઠ નીકળી હતી. શહેરની કેર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની તબીબ ટૂકડી દ્વારા સફળ ઓપરેશન કરીને યુવતીનો જીવ બચાવ્યો હતો. 30 વર્ષની આ યુવતીનું વજન 42 કિલો હતું પરંતુ ગાંઠ નીકળ્યા બાદ હવે તેનું વજન 27 કિલો રહી ગયું છે.

દાહોદ તાલુકાના એક નાનકડા ગામની 30 વર્ષિય યુવતીને એકાએક પેટમાં દુખાવો શરૂ થયો હતો. પ્રારંભમાં સ્થાનિક તબીબ પાસે સારવાર કરાવતાં પેટનો દુખાવો બંધ થઇ ગયો હતો. પરંતુ દરમિયાન તેનું પેટ ફુલતુ હોય તેવુ જણાયું હતું. પરિણીત યુવતીને 4 બાળકો છે અને પાંચમું પારણું બંધાશે તેવી તેને આશા જાગી હતી. જોકે, સમય જતાં પેટ ફુલવા સાથે તેને અન્ય શારીરિક સમસ્યાઓ પણ વધવા લાગી હતી. જેથી દાહોદની કેર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો સંપર્ક કર્યા બાદ સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવતાં તેને અંડાશયની ગાંઠ હોવાનુ નિદાન થયું હતું.

હોસ્પિટલના તબીબ ડો. શૈલેષ પરમાર, ડો. કમલેશ ગોહિલ, ડો.જાગૃતિ પટેલ અને એનેસ્થેટિક ડો. જયેશ વાઘેલાની ટીમે અત્યંત જોખમકારક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યુ હતું. યુવતીના પેટમાંથી 15 કિલો વજન અને 35-25 સેમી વ્યાસ ધરાવતી પાણીની સાદી ગાંઠ નીકળી હતી. મહિલા દવાખાને આવી ત્યારે તેનું વજન 42 કિલો હતું. પરંતુ 15 કિલોની ગાંઠ નીકળ્યા બાદ તેનું વજન હવે 27 કિલો રહી ગયું છે. ગાંઠ તો કાઢી લેવાઇ છે પરંતુ શારીરિક પીડામાંથી બહાર લાવવા માટે તબીબ ટૂકડી જહેમત ઉઠાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...