હત્યાની આશંકા:દાહોદના ભાણપુરા ગામે યુવતીની લાશ મળી આવતા ચકચાર, હત્યા બાદ ઓળખ છુપાવવા ચહેરો સળગાવ્યો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો

દાહોદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના પિતાએ વાંદરીયાના યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદમાં સંજેલી તાલુકાના ભાણપુરા ગામે આવેલા જંગલ વિસ્તારમાંથી 19 વર્ષીય યુવતીની ચહેરો બળી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સાથે ચકચાર મચી હતી. આ મામલે મૃતક યુવતીના પિતા દ્વારા દાહોદના વાંદરીયા ગામે રહેતાં એક યુવક વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈ પોલીસે યુવકની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

યુવતીના પીતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મહેશભાઈ પ્રતાપભાઈ બરંડાની 19 વર્ષીય પુત્રીની તાલુકાના વાંદરીયા ગામે રહેતો મેહુલ પરમાર નામક યુવકે અગમ્ય કારણોસર હત્યા કરી છે. તેમજ ઓળખ છુપાવવાના હેતુસર યુવતીનો ચહેરો સળગાવી દેવામાં આવ્યો હતો. જે બાદ ભાણપુર ગામે વડલાવાળા જંગલમાં યુવતીની લાશ ફેંકી ફરાર થઈ ગયો હતો. યુવતીની લાશ જંગલ વિસ્તાર તરફથી દેખાઈ આવતાં ગ્રામજનોના ટોળે ટોળા જંગલ વિસ્તારમાં ઉમટી પડ્યાં હતાં. ત્યારે આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ મૃતક યુવતીના મૃતદેહનો કબજો લઈ તેને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે અનેક રહસ્યોએ ચર્ચાનું જોર પકડ્યું છે. યુવતીની હત્યા થઈ છે કે કેમ તેમજ જો તેની હત્યા થઈ છે તો શાં કારણે હત્યા કરવામાં આવી છે, તેવા અનેક સવાલોએ ચર્ચા જગાવી છે. ત્યારે આ અંગે સઘળી હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસ બાદ બહાર આવશે. જોકે, ઉપરોક્ત સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના પિતા મહેશભાઈ દ્વારા સંજેલી પોલીસ મથકે દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતો મેહુલ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...