ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાઈ હતી. જેમાં દાહોદ જિલ્લાની ફતેપુર, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢ બારિયા સહિત તમામ બેઠકમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ રેલી કાઢી ઉજવણી કરી હતી.
ફતેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ કટારા 20,091 મતથી વિજેતા થયા હતા. વર્ષ 2017માં પણ આ બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ હતી. ત્યારે ફરી ભાજપની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ઝાલોદ બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35,532 મતથી જીત થઈ છે. વર્ષ 2017માં આ બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. જોકે, આ વખતે આ બેઠક ભાજપે આંચકી લીધી હતી.ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
લીમખેડા બેઠક પર ભાજપના શૈલેષ ભાભોરની 4,028 મતથી જીત થઈ છે. વર્ષ 2017માં પણ આ બેઠક ભાજપ પાસે હતી.
દાહોદ બેઠક પર ભાજપના કનૈયાલાલ કિશોરીની 29 હજારથી વધુ મતોથી વિજય થયો છે,
ગરબાડા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરની 27,885 મતથી જીત થઈ છે. વર્ષ 2017માં કોંગ્રેસે બેઠક જીતી હતી.
દેવગઢબારિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાવડની 44,334 મતથી જીત થઈ છે. વર્ષ 2017માં પણ ભાજપની જીત થઈ હતી.
જિલ્લામાં સરેરાશ 60.07 ટકા મતદાન થયું હતું
દાહોદ જિલ્લામાં કુલ 15 લાખ 85 હજાર 003 મતદારો નોંધાયા હતા. જેમાંથી 9 લાખ 52 હજાર 093 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેથી જિલ્લાની 6 બેઠક પર સરેરાશ 60.07 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં 66.84 ટકા મતદાન થયું હતું. તેની સરખામણીમાં આ વખતે 6 ટકા જેટલો મતદાનમાં ઘટાડો થયો છે.
બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.
બેઠક | 2017નું મતદાન | 2022નું મતદાન |
ફતેપુર | 61.92% | 54.00% |
ઝાલોદ | 67.82% | 58.86% |
લીમખેડા | 74.78% | 67.01% |
દાહોદ | 65.07% | 59.46% |
ગરબાડા | 54.36% | 50.15% |
દેવગઢ બારિયા | 78.84% | 72.76% |
કુલ | 66.84 | 60.07% |
જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?
ફતેપુરા બેઠકનો માહોલ
ફતેપુરા બેઠકમાં આ વખતે ભાજપ તરફથી રમેશભાઈ કટારાને મેદાનમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસ તરફથી રઘુભાઈ મછાર અને આમ આદમી પાર્ટીએ ગોંવિંદ પરમારને ઉમેદવાર બનાવ્યાં છે. આ બેઠક પર 254981 મતદારો નોંધાયા હતા. જેમાંથી 137700 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી આ બેઠક પર કુલ 54 ટકા મતદાન થયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના રમેશ કટારાએ રઘુભાઈ મછારને હરાવ્યાં હતા. તેવી જ રીતે વર્ષ 2017માં પણ આ બન્ને ઉમેદવારો ફરી સામ સામે હતા. જેમાંથી ભાજપના રમેશભાઈ કટારાએ બીજી વખત બાજી મારી હતી. ત્યારે આ વખતે પણ બન્ને ઉમેદવારોને જે તે પક્ષે રિપિટ કર્યા છે. આ બેઠક પર બે વખત જ ચૂંટણી થઈ છે અને બન્ને વખત ભાજપની જીત થઈ છે.
ઝાલોદ બેઠકનો માહોલ
ઝાલોદની બેઠક પર આ વખતે ભાજપ તરફથી મહેશ ભૂરિયા ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસ તરફથી મિતેશ ગરસિયા અને આમ આદમી પાર્ટી તરફથી અનિલ ગરસિયા ચૂંટણી મેદાનમાં હતા.
આ બેઠક પર 271793 મતદારો નોંધાયા હતા. જેમાંથી 159973 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી આ બેઠક પર 58.86 ટકા મતદાન થયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના મિતેશ ગરસિયાએ ભાજપના ભાવસિંઘ વાઘેલાને હરાવ્યાં હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં ફરી વાર કોંગ્રેસના ઉમેદવાર ભાવેશ કટારાની જીત થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના મહેશ ભુરિયાને કોંગ્રેસના ભાવેશ કટારાએ હરાવ્યાં હતા. આ બેઠક પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. જોકે, 2017ના ધારાસભ્ય ભાવેશ કટારાએ છેલ્લા દિવસોમાં રાજીનામું આપતા કોંગ્રેસે આ વખતે 2012ની ચૂંટણીના વિજેતા મિતેશ ગરસિયાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે 2017ની ચૂંટણીમાં હારેલા ઉમેદવાર મહેશ ભૂરિયા પર ફરી વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ આપી હતી. જોકે, ગત ચૂંટણીમાં જીતેલા ભાવેશ કટારા આ વખતે એક પણ પક્ષ તરફથી ઉમેદવાર નથી.
લીમખેડા બેઠકનો માહોલ
લીમખેડા બેઠક પર ભાજપ તરફથી શૈલેષ ભાભોર ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસ તરફથી રમેશ ગુંડીયા અને આમ આદમી પાર્ટી તરફથી નરેશ બારિયા ચૂંટણી મેદાનમાં હતા. આ બેઠક પર 222938 મતદારો નોંધાયા હતા. જેમાંથી 149386 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી આ બેઠક પર 67.01 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસના પૂનાભાઈ બારિયાને હરાવ્યાં હતા. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શૈલેષ ભાભોરે કોંગ્રેસના ઉમેદવાર મહેશ તડવીને હરાવ્યાં હતા. અહીંના વતની જશવંતસિંહ ભાભોર કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યાં છે. આ વખતે ભાજપે ઉમેદવારને રિપિટ કર્યો હતો.
દાહોદ બેઠકનો માહોલ
દાહોદ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી વજેસિંહ પણદા સતત ચૂંટાતા આવ્યાં છે. કોંગ્રેસે સતત જીતતા આવતા અને વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને નવા ચહેરાને તક આપી હતી. જ્યારે ભાજપે ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવારને ફરી એક વખત તક આપીને મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર ભાજપ તરફથી કનૈયાલાલ કિશોરીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસે હર્ષદ નિનામાને ઉમેદવાર બનાવ્યાં છે. તો આમ આદમી પાર્ટી તરફથી દિનેશ મુનિયા ચૂંટણી જંગમાં છે. આ બેઠક પર 278665 મતદારો નોંધાયા હતા. જેમાંથી 165685 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી આ બેઠક પર 59.46 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર વર્ષ 2012નું સમીકરણ જોઈએ તો વર્ષ 2012માં કોંગ્રેસના વજેસિંગ પણદાએ ભાજપના નગરસિંહ પલાસને હરાવ્યાં હતા. તેમજ વર્ષ 2017માં કોંગ્રેસે ફરી વજેસિંગ પણદાને રિપિટ કર્યા હતા. તેઓએ આ વખતે કનૈયાલાલ કિશોરીને હરાવ્યાં હતા. આ બેઠક સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. જોકે, પટેલિયા સમાજના મતદારો પણ છે.
ગરબાડા બેઠક પરનો માહોલ
આ બેઠક વર્ષ 2012થી જ અસ્તિત્વમાં આવી છે અને ત્યારથી જ આ બેઠક પર સતત કોંગ્રેસ જીતતી આવે છે. જેથી આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર વર્ષ 2012 અને 2017ની ચૂંટણીમાં કોગ્રેસે કબજો કરેલો છે. આ વખતે ભાજપે આ બેઠક પર મહેન્દ્ર ભાભોરને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે કોંગ્રેસે ચંદ્રિકાબેન બારૈયા અને આમ આદમી પાર્ટીએ શૈલેષ ભાભોરને ટિકિટ આપી છે. આ બેઠક પર 290463 મતદારો નોંધાય હતા. જેમાંથી 145681 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી આ બેઠક પર 50.15 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રિકાબેન બારિયાએ ભાજપના મોહિન્દ્રાબેન રાઠોડને હરાવ્યાં હતા. જ્યારે વર્ષ 2017માં કોંગ્રેસે ચંદ્રિકાબેનને રિપિટ કર્યા હતા. જેઓએ ફરી આ બેઠક પર જીત મેળવી હતી. આ વખતે તેઓએ ભાજપના મહેન્દ્ર ભાભોરને હરાવ્યાં હતા. ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલા ઉમેદવારને તેમજ ભાજપે ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવારને રિપિટ કર્યા છે. અંતિમ ઘડીએ ભાજપે ઉમેદવારને રિપિટ કર્યા હતા.
દેવગઢ બારિયા
આ બેઠક પર કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે. જેથી આ બેઠક પર આ વખતે ભાજપ, એનસીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ તરફથી આ વખતે બચુભાઈ ખાબડને ફરી વખત મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભરત વાખલાને ટિકિટ આપી છે. આ બેઠક પર 266163 મતદારો નોંધાયા હતા. જેમાંથી 193668 મતદારોએ મતદાન કર્યું હતું. જેથી આ બેઠક પર જિલ્લાનું સૌથી વધું 72.76 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012માં ભાજપના બચુભાઈ ખાબડે કોંગ્રેસના ભૂપેન્દ્રસિંહ ચૌહાણને હરાવ્યાં હતા. તેમજ વર્ષ 2017માં ફરી બચુભાઈ ખાબડ વિજેતા બન્યા હતા. આ વખતે તેઓએ કોંગ્રેસના ભરતસિંહ વખાડાને હરાવ્યાં હતા. ભાજપ કોંગ્રેસના જંગ વચ્ચે 2007માં એનસીપીએ જીત મેળવી હતી. જોકે, છેલ્લી બે ટર્મથી બચુભાઈ ખાબડ ભાજપમાંથી જીતતા આવ્યાં છે અને મંત્રી પણ બન્યાં છે.
જિલ્લાની 2017ની સ્થિતિ
દાહોદ જિલ્લામાં 2017ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બન્ને માટે સમાન રહી હતી. જિલ્લાની 6 બેઠક પૈકી 3 બેઠક પર કોંગ્રેસે તેમજ 3 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં ફતેપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારાની જીત થઈ હતી. ઝાલોદ બેઠક પર કોંગ્રેસે કબજો મેળવ્યો હતો. આ બેઠક કોંગ્રેસના ભાવેશ કટારાની જીત થઈ હતી. લીમખેડા બેઠક ભાજપે કબજે કરી હતી, આ બેઠક પર ભાજપના શૈલેષ ભાભોરની જીત થઈ હતી. લીમખેડા બેઠક પર પણ ભાજપની જીત થઈ હતી. ભાજપના શૈલેષ ભાભોરની જીત થઈ હતી. ગરબાડા બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના ચંદ્રિકાબેન બારિયાની જીત થઈ હતી. દેવગઢ બારિયા બેઠક પર ભાજપના બચુભાઈ ખાબડની જીત થઈ હતી. છેલ્લી બે ટર્મથી બચુભાઈ ખાબડ ભાજપ તરફથી જીતતા આવ્યાં છે અને મંત્રી પણ બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.