તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે તો મન મુકીને વરસ:દાહોદ જિલ્લામાં વરસાદની 23 ટકા ઘટને કારણે આ ચોમાસે આઠમાંથી એકેય ડેમ ન છલકાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં માત્ર બે ડેમમાં 70 ટકા પાણી, છ ડેમમાં 42થી 66 ટકા જેટલું જ પાણી

દાહોદ જિલ્લામાં ગત વખત કરતાં વરસાદની ઘટ પ્રવર્તિ રહી છે.તેને કારણે જિલ્લાનો એક પણ ડેમ છલકાયો નથી. હાલ તો ખેતીની સ્થિતિ સારી છે, પરંતુ પાછોતરો વરસાદ પણ એટલો જ જરુરી છે. જિલ્લામાં મકાઇનો પાક સારો ઉતરે તેવી આશા છે ત્યારે આ ચોમાસે પણ 100 ટકા વરસાદ થઇ જાય તો શિયાળુ પાકને પણ ફાયદો થઇ શકે તેમ છે.

દાહોદ જિલ્લામાં આ ચોમાસે એકધારો વરસાદ વરસ્યો નથી. તેને કારણે નવા નીરની આવક થઇ નથી.જો કે ખેતી લાયક વરસાદ થવાને કારણે જિલ્લામાં મુખ્ય પાક મકાઇનો મોલ ખેતરોમાં લહેરાઇ રહ્યો છે. તેની સાથે સોયાબીન, શાકભાજી, ડાંગર તેમજ ઘાસચારાની વાવણી પણ કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં હાલમાં ખેતી મામલે સ્થિતિ ચિંતાજનક ન હોવાનું જાણવા મળ્યુ છે.

બીજી તરફ જિલ્લામાં ગત વર્ષ કરતાં આશરે 23 ટકા વરસાદ ઓછો થવાને કારણે ભવિષ્યમાં પીવાના પાણીની તંગી પણ સર્જાઇ શકે છે. કારણ કે જિલ્લામાં સમાવિષ્ટ તમામ આઠેય ડેમ પૈકી એક પણ ડેમ હજી સુધી સંપૂર્ણ ભરાયો નથી. જિલ્લાના આઠેય તાલુકામાં ફતેપુરા તાલુકામાં અત્યાર સુધીમાં સાૈથી વધુ વરસાદ દાહોદ તાલુકામાં 442 મીમી જેટલો નોંધાયો છે જ્યારે સાૈથી ઓછો 206 મીમી વરસાદ ઝાલોદ તાલુકામાં થયો છે.

દાહોદ જિલ્લામાં આ ચોમાસે એકેય ડેમ છલકાયો નથી
દાહોદ જિલ્લામાં આ ચોમાસે એકેય ડેમ છલકાયો નથી

ગત રાત્રે પણ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં એકાએક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.જેમાં દાહોદ,ગરબાડા અને દેવગઢ બારીયા તાલુકામાં એક એક ઇંચ પાણી થોડી વારમાં જ વરસી ગયુ હતુ પરંતુ બીજે દિવસે સવારથી જ વાદળો વિખેરાઇ ગયા હતા.ગરમી અને બફારો ફરીથી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આગામી દિવસોમાં એકાદ બે હેલી થાય તે જરુરી છે. નહિતર આ ચોમાસે એકેય ડેમ નહી ભરાય તો છેલ્લા કેટલાયે વર્ષોનો વિક્રમ સ્થાપિત થઇ શકે તેમ છે.માત્ર બે જ ડેમમાં 70 ટકા જેટલો પાણીનો જથ્થો છે ત્યારે બીજા ડેમોમાં ઘણો ઓછો જથ્થો સંગ્રહિત થયેલો છે.તેમાંયે કબુતરી ડેમમાં તો માત્ર 19.83 ટકા જ પાણીનો સંગ્રહ થયો છે, જે ચિંતાજનક સ્થિતિ હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યુ છે. બાકીના ડેમમાં 42 થી 66 ટકા પાણી છે.આમ જો મેઘ મહેર નહી થાય તો ઉનાળો આકરો બની રહેવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...