રેલ વ્યવહાર ખોરવાયો:મંગલ મહુડી પાસે OHE તૂટી જતાં દિલ્હી-મુંબઇ રૂટ 2 કલાક બંધ રહ્યો

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 દિવસમાં જ બીજા અકસ્માતથી રેલ વ્યવહાર ખોરવાયો
  • ​​​​​​​રાજધાની સહિત 7 એક્સપ્રેસ ટ્રેનો અટકાવી દેવાઈ

દાહોદ નજીક આવેલા મંગલમહુડી રેલવે સ્ટેશન પાસે 14 દિવસ બાદ ફરીથી સર્જાયેલા અકસ્માતને કારણે દિલ્હી-મુંબઇ રેલવે માર્ગ રાત્રે બે કલાક બંધ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. 18 જુલાઇએ માલગાડીના અકસ્માતમાં 16 વેગન એકબીજા પર ચઢી જતાં મુંબઇ-દિલ્હી માર્ગ 45 કલાક બાદ પૂર્વવત થઇ શક્યો હતો. આ વખતે ઓએચઇ તૂટતાં વીજ વાયરો અપ અને ડાઉન લાઇન પર લટકતાં રેલવે માર્ગ બાધિત થયો હતો.

રવિવારે રાત્રે રતલામ-ગોધરા સેક્શનના મંગલમહુડી રેલવે સટેશન પાસે ઓએચઇ (ઓવર હેડ ઇલેક્ટ્રીક) લાઇન તૂટી ગઇ હતી. અવન્તિકા એક્સપ્રેસ પસાર થઇ રહી હતી ત્યારે રાતના 10.45 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. વીજ સપ્લાય બંધ થઇ જતાં અવન્તિકા એક્સપ્રેસ મંગલ મહુડીમાં જ રોકાઇ ગઇ હતી. ધડાકા સાથે વાયરો તૂટતાં તમામ ટ્રેનોનો વીજ સપ્લાય રોકાઇ ગયો હતો.

તૂટેલા વાયરો અપ અને ડાઉન બંને લાઇન પર લટકી ગયા હતાં. તેના કારણે દિલ્હી-મુંબઇ રૂટનો વ્યવહાર બંધ થઇ ગયો હતો. રાજધાની સહિત 7 એક્સપ્રેસ ટ્રેન જ્યાં હતી ત્યાં ઊભી કરી દેવાઇ હતી. રતલામથી આવેલા ટીઆડી સ્ટાફે ઓએચઇ કેબલનું સમારકામ શરૂ કર્યુ હતું. બે કલાક બાદ રાત્રે 12.45 વાગ્યે ડાઉન લાઇન શરૂ થઈ હતી. જ્યારે પરોઢના 4 વાગ્યે અપ લાઇનના એએચઇ કેબલનું સમારકામ પૂર્ણ થતાં તે ટ્રેક પણ શરૂ કરવામાં આવ્યો હતો.

અગાઉના અકસ્માતની તપાસનો રિપોર્ટ બાકી
18 જુલાઇના રોજ મંગલ મહુડી ગામે ભયંકર માલગાડી અકસ્માત સર્જાયો હતો. તેમાં રેલવેને મોટંુ નુકસાન થયંુ હતું. આ અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસ માટે મુંબઇથી ત્રણ અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી છે. આ તપાસનો હજી રિપોર્ટ આવ્યો નથી ત્યાં બીજો અકસ્માત સર્જાતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

મુંબઈ જતી ટ્રેનો ચિત્તોડગઢ થઈ દોડાવી
ઓએચઇ કેબલ તૂટતાં વીજ સપ્લાય રોકાઇ ગયો હતો. ત્યાર બાદ રેલવેએ મુંબઇ જતી ટ્રેનોને રતલામથી રસ્તો બદલીને વાયા ચિત્તોડગઢ દોડાવી હતી.

3 ટ્રેનો ડાઇવર્ટ, 1 શોર્ટ ટર્મિનેટ કરાઈ
મંગલમહુડીમાં વાયર તૂટવાના પગલે 19414 કોલકત્તા -અજમેર, 11464 જબલપુર સોમનાથ એક્સપ્રેસ અને 19310 ઇન્દૌર ગાંધીનગર કૈપિટલ ટ્રેનને વાયા રતલામ, ચિત્તોડગઢ, અજમેર, પાલનપુ થઇને અમદાવાદ ડાઇવર્ટ કરવી પડી હતી. આ સાથે 19820 વડોદરા કોટા ટ્રેનને દાહોદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ કરવા સાથે 1 ઓગસ્ટે આ ટ્રેન દાહોદથી પાછી વાળી દેતાં તે વડોદરા અને દાહોદ વચ્ચે કેન્સલ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...