તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનાગ્રસ્ત મહિલાની પ્રસૂતિ, ધાવણ વાસણમાં લઇ બાળકને ફીડ કરાયું

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને રિફર કરી શકાય એમ ન હોવાથી બોરવાણી આરોગ્ય કેન્દ્રના કર્મીઓએ જ પ્રસૂતિ કરાવી

દાહોદ તાલુકાના બોરવાણી ગામના ખાયા ફળિયાની જ્યોત્સનાબેન દીનેશભાઇ ડાંગી સવારના સાડા 11 વાગ્યે પ્રસુતિની પીડા સાથે બોરવાણીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી હતી. સારવાર આપતા પૂર્વે રાજ્ય સરકારના હેલ્થ પ્રોટોકોલ મુજબ એ પરિણીતાનો કોરોના એન્ટીજન ટેસ્ટ કર્યો તો તે પોઝીટિવ આવ્યો. રાજ્ય સરકારની કોરોના સામેની આરોગ્ય માર્ગદર્શિકા એવું કહે છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને તુરંત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં રિફર કરી આપવા. એમ ના કરવામાં આવે તો ચેપ ફેલાવી શક્યતા વધી જાય છે.

આ સ્થિતિને જોઇ બોરવાણી આરોગ્ય કેન્દ્રમાં રહેલા મેડિકલ ઓફિસર ડો. હિરલ દેસાઇ થોડી ક્ષણો વિચારમાં પડી ગયા. એક તરફ કોરોના અને બીજી બાજુ મહિલાને વેણ ! પરિસ્થિતિ એટલી નાજુક હતી કે જો મહિલાને રિફર કરવામાં આવે તો પણ એમ્બ્યુલન્સમાં જ બાળકનો જન્મ થઇ જાય એમ હતો. ત્રીજા બાળકની અપેક્ષાએ સગર્ભા હોવાથી અહીં તે રૂટીન ચેકઅપ માટે આવતી રહેતી હતી. હજુ તો સાતે’ક દિવસ પહેલા જ અહીં આવેલી. ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.

આરોગ્ય કેન્દ્રમાં ઉપસ્થિત ડો. હિરલ દેસાઇએ સ્થિતિની નાજુક્તાને પારખીને મોરચો સંભાળ્યો અને આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી કરાવવાનો નિર્ણય કર્યો. તેમની સાથે નર્સ હંસાબેન ભૂરિયા પણ જોડાયા. પહેલા તો જ્યોત્સનાબેનના ઓક્સીજન લેવલની તપાસ કરવામાં આવી. તે નોર્મલ જણાયું. બાદમાં બ્લડ પ્રેશર સહિતની તપાસ કરાઇ તો સદ્દનસીબે તે પણ સામાન્ય હતું. ચિંતાની વાત તો એ હતી કે છેલ્લા પાંચેક દિવસથી ખાંસી અને શરદી, તાવ હતો. કોરોનાથી કેટલા સંક્રમિત થયા છે એની તપાસ કરવાનો સમય નહોતો. ડો. દેસાઇ અને નર્સ હંસાબેન મોરચો સંભાળી લીધો.

ડિલિવરી કરાવવા તૈયાર થઇ ગયા. અસહ્ય પ્રસવ પીડા વચ્ચે જ્યોત્સનાબેનને નોર્મલ ડિલિવરી કરાવી. હજું તો સંઘર્ષ બાકી હતો. ૨.૪ કિલોગ્રામનું આ બાળકી જન્મતાની સાથે રડવા લાગી. જો કે, તેવું થવું જ જોઇએ. પણ, બાળકને સ્તનપાન કેવી રીતે કરાવવું તે ચિંતાનો વિષય હતો. બાળકનો પણ એન્ટીજન રિપોર્ટ કરાવ્યો. કુદરતની મહેરબાનીથી તે રિપોર્ટ નેગેટિવ આવ્યો. બાળકને કોરોના પોઝિટિવ માતા સ્તનપાન કરાવી શકે કે કેમ ? એ માટે ડો. દેસાઇએ કેટલાક તજજ્ઞો પાસેથી માર્ગદર્શન લીધું.

અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બાળકને તેમનો પ્રથમ ખોરાક ધાવણ જ આપવું. કારણ કે, તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. આથી, ડો. દેસાઇએ માતાનું ધાવણ બહાર કાઢી, સ્વચ્છ વાસણમાં લઇ બાળકને ચમચી વાટે પીવડાવાનું નક્કી કર્યું. આ માટે તબીબી ટેકનિકનો ઉપયોગ કરી ધાવણ કાઢી બાળકને ફિડ કરાવ્યું અને બાદમાં ડો. સોનલ હઠીલાને ત્યાં રિફર કર્યું. માતાને આરોગ્ય કેન્દ્રના કોરોના બેડમાં સારવાર હેઠળ રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...