ભાસ્કર ઇનસાઇટ:શહેરમાં રોજ 50 ટન કચરો આવે પણ કોન્ટ્રાક્ટ મુજબ 45 ટન જ ઉપાડાય છે

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજન્સી કોન્ટ્રાક્ટ મુજબ 45 ટન ઉપાડતાં 5 ટન તો રોજ રોડ પર રહે છે

દાહોદ શહેરમાંથી દરરોજ 50 ટનથી વધુ કચરો નીકળે છે. આ કચરાની સફાઇ માટે પાલિકાના કર્મચારીઓ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. એજન્સી દ્વારા દરરોજ ઘરે-ઘર અને દુકાને-દુકાને જઇને કચરો ઉપાડવામાં આવે છે. દાહોદ શહેરના 9 વોર્ડમાં કચરા કલેક્શન માટે એજન્સીની 22 ગાડી અને ચાર ટ્રેક્ટર ફરે છે.

જાણવા મળ્યા મુજબ એજન્સીના ટેન્ડરમાં દૈનિક 45 ટન કચરો ઉપાડવાનો કરાર થયેલો છે. એજન્સી તો તેના ભાગનો કરાર આધારિત 45 ટન કચરો ઉપાડી લે છે પરંતુ બાકી બચતો કચરો જાહેરમાં ખાલી જોવાતી જગ્યાએ જ ઠલવાય છે. એટલે કે દિવસમાં અંદાજે પાંચ ટનથી વધુ કચરો આવા હંગામી ઉકરડાઓમાં નાખી દેવાય છે. આ વધારાનો ડમ્પીંગ યાર્ડ સુધી ન પહોંચાડાયેલો, જાહેર રસ્તે રેલાતો કચરો શહેરની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવી સ્માર્ટ સિટીના ઉદ્દશ્યને પુરુ થવા દેતો નથી. ક્યારેક કેટલાંક કિસ્સામાં નગર પાલિકા અને એજન્સી વચ્ચે સંકલનનો અભાવ પણ પરીસ્થિતિ કફોડી બનાવે છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ગઢીના કિલ્લા પાછળ જિલ્લા પંચાયત પ્રમુખના ઘર સામે કચરાના ઢગલાંમાં આગ લાગી ગઇ હતી. આગ એટલી તિવ્રતાથી ફેલાઇ હતી કે તેને ઓલવવા માટે ફાયર ફાયરટની મદદ લેવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...