બોડેલી તાલુકાના ખેતીક્ષેત્રે અગ્રેસર એવા જબુગામ સહિત ઓરસંગ નદીના કાંઠે આવેલા ખેતરોનું ચાલુ વર્ષે અતિભારે વરસાદથી ઘોડાપૂર આવતાં તેમજ આડેધડ રીતે ખનન માફિયાઓ દ્વારા નદીમાંથી રેતી ઉલેચવાથી પ્રવાહ ફંટાતાં કાંઠા વિસ્તાર ઉપર બનાવાયેલી સંરક્ષણ દીવાલ તેમજ તેની બાજુમાં વડ પાસેનો ખડીયાક રસ્તો ધોવાણ થવાથી આ વિસ્તારના લોકો, ખેડૂતો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. \ બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ઓરસંગ કાંઠા વિસ્તારમાં સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી હતી.
ત્યારે ચાલુ વર્ષે ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદથી ઓરસંગ ભયજનક સપાટી ઉપર વહેતા ઘોડાપૂરથી ખનન માફિયાઓ દ્વારા આડેધડ ખોદકામ કરતાં નદીનો પ્રવાહ ફંટાયો હતો. જેમાં જબુગામથી વડાતલાવ જવાના નદી કાંઠાના ખડીયાક રસ્તાનું ઉંચાઈ સાથે વીસ ફૂટ ઉપરાંતનું ધોવાણ થયું હતું. આથી મુંગા પશુઓને નદીમાં પાણી પીવા આવવા જવા માટે ખેડૂતોના સાધનો ટ્રેક્ટર, મોટરસાઇકલ તેમજ વટેમાર્ગુઓ જઈ શકવા અસંભવ થયા છે. સત્તાવાળા દ્વારા આ પડી ગયેલી દીવાલ તેમજ રસ્તાને પુનઃ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
છેલ્લા પાંચ, સાત વર્ષના ગાળા દરમ્યાન નદી કાંઠાની અનેક હેક્ટર ખેતીલાયક પિયત એવી લાખોના ભાવની જમીનનું વર્ષો વર્ષ ધોવાણ થઈ રહ્યું છે. જબુગામથી ઓરસંગના સામા કાંઠે પહોંચવા માટે જે નદીમાં ખડીયાક ચીલો છે જેનું વીસ ફૂટ ઉપરાંતનું રેત ખનન માફિયાઓ દ્વારા આડેધડ ખોદકામ દરમિયાન રસ્તો સંપૂર્ણ તૂટી ગયો છે.
જબુગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની વારંવારની આ રસ્તા પર કોઝવે અથવા પુલ બનાવવાની માગણી પણ સંતોષાતી નથી. જબુગામ ઓરસંગ નદી કાંઠે આવેલા બસો વર્ષ પુરાણા સોઢળબાવાના નામથી પ્રસિદ્ધ એવું ઘટાદાર વૃક્ષ જે વિસામા તરીકે ઉત્તમ સ્થળ છે તેનું અસ્તિત્વ પણ આ ધોવાણને કારણે જોખમાયું છે. સંરક્ષણ દીવાલ અને રસ્તાની કામગીરી સત્વરે હાથ ધરાય તેવી પ્રજાની માંગણી ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.