દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝનમાં હાલ નવ નિયુક્ત એએસપી વિજયસિંહ ગુર્જર ફરજ બજાવી રહ્યા છે. તેમણે પોલીસ મથકમાં આવતા અરજદારોની વર્તણુંક જોતાં આશ્ચર્ય અનુભવ્યું છે. છેવટે તેમણે ટ્વિટ કરીને આમ જનતાને દિલાસો આપ્યો છે કે તમારે જરાયે ક્ષોભ અનુભવ્યા વિના પોલીસ મથકમાં આવવું કારણ કે આ પોલીસ મથક તમારા જ છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જે પ્રજા ભોળી કહેવાય છે. હવે તો ધીમે ધીમે સામાન્ય પ્રવાહમાં તેઓ આવી રહ્યા છે, કારણ કે શિક્ષણનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. તેઓ પણ રોજગારી અર્થે નગરો-મહાનગરોના સંપર્કમાં આવી રહ્યા હોવાથી આધુનિક પહેરવેશ અને રહેણીકરણીથી વાકેફ થઇ ગયા છે. જો કે તેમની પ્રણાલિકાઓ આજે પણ અકબંધ છે, તેમ છતાં ગામડાંમાં વસતા લોકો જાહેર સ્થળો પર એક યા બીજી રીતે ક્ષોભ અનુભવતા હોય તેવું જણાઇ રહ્યું છે. ખાસ કરીને સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓ સામે જતાં તેઓ એક પ્રકારનો ડર અનુભવતા હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે તેઓ જે-તે વિસ્તારના શિક્ષિત કે અગ્રણીઓને લઇને તેમના કામ અર્થે કચેરીઓમાં આવતા હોય છે. તેવા સમયે ઘણી વાર તેઓ આર્થિક શોષણનો પણ ભોગ બની રહ્યા છે.
પોલીસ મથકોમાં પણ ગામડાંના અરજદારોની સ્થિતિ સારી નથી હોતી. કારણ કે આમ પણ પોલીસ મથકે જતાં ભણેલો ગણેલો વ્યક્તિ પણ એક પ્રકારનો ડર અનુભવે છે. ત્યારે ગામડાના ગરીબ આદિવાસી ડર અને લઘુતાગ્રંથિ અનુભવે તે સ્વાભાવિક છે. ત્યારે હાલમાં જ ઝાલોદ ડિવીઝનમાં એએસપી તરીકે મુકાયેલા વિજયસિંહ ગુર્જરે પણ આ સ્થિતિ જોઇ. છેવટે તેમણે આ સ્થિતિ સુધરે તેના માટે ટ્વિટ કર્યુ છે. ટ્વિટ કરી તેમણે જણાવ્યું છે કે ઝાલોદ ડિવિઝનમાં મેં જોયુ છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતાં પહેલાં સ્લીપર, જૂતાં વગેરે બહાર મુકી દે છે. તેઓ ખુરશીઓ પર પણ નહીં બેસે.
તેમણે જણાવ્યું હતું કે શું તે આદર, ડર અથવા બીજું કંઇ છે? ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ. તેમની આ ટ્વિટને જોઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ રી-ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ છે આપણી ગુજરાત પોલીસ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.