પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં કેરીની ખેતી કરતા ખેડૂતો ચિતિંત બન્યા હતા. ચોમાસાના આગમનને થોડા દિવસ બાકી છે. ત્યારે ત્રણે જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગરમીથી આંશિક રાહત લોકોને મળી હતી. છેલ્લા અઠવાડિયાથી 43 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો રહ્યો હતો. પરંતુ રવિવારે સાંજથી પવન ફૂંકાતાં પારો 4 ડિગ્રી જેટલો ઘટતાં ગરમીમાં રાહત મળી હતી.
સોમવારે સવારથી વાદળીયું વાતાવરણ થતાં ગરમીનો પારો ગગડ્યો હતો. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવા સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં ખેતીના પાક નમી ગયા હતા. સોમવારે વહેલી સવારે ભેજનું પ્રમાણ પણ યથાવત રહ્યું હોવાથી ટાઢક જોવા મળી હતી.
જિલ્લામાં પવનને કારણે કેરીને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. આગામી દિવસોમાં આકાશ વાદળછાયુ રહેવાની શકયતાઓ છે. દાહોદમાં પણ 4 દિવસથી રોજ ગરમીની ડિગ્રીમાં ઘટાડો રહ્યો છે. સોમવારે પણ ગરમી 35 ડિગ્રી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.