લાંચ સ્વીકારતાં ઝડપાયો:પીપલોદ ગામનો તલાટી રૂ. 305ની લાંચ લેતાં ACBના હાથે પકડાયો; મકાન વેરાની પાવતી આપવા 500 રૂપિયાની માગણી કરી હતી

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચા. કચેરીમાં જ અરજદાર પાસેથી લાંચ સ્વીકારતાં ઝડપાયો

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં જ 305 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતાં લાંચિયા કર્મચારીઓમાં ફફટાડ ફેલાઇ ગયો હતો. મકાન વેરાની પાવતી આપવા માટે 500 રૂપિયાની માગણી કર્યા બાદ તેણે લાંચના રૂપિયા સ્વીકારતા છટકામાં આવ્યો હતો.

પીપલોદ ગામમાં રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઇ પટેલ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતાં. એક અરજદારે તેના ગામમાં નવું મકાન બનાવી તેની ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી કરાવી હતી. તલાટી રાજેન્દ્રસિંહ પટેલે મકાનનો વેરો લીધો હતો અને તેની પાવતી આપવાના બદલામાં રૂા.500ની લાંચની માગણી કરી હતી. અરજદારને લાંચ આપવી ન હોવાથી તેણે એસીબીની વડી કચેરીના ટોલ ફ્રી નંબર-1064 ઉપર સંપર્ક કરી પંચમહાલ એસીબી પોલીસ મથક ગોધરા ખાતે ફરિયાદ આપી હતી.

જેના આધારે સોમવારના રોજ વડોદરા એકમના એસીબીના મહાનિર્દેશક એસ.એસ.ગઢવીના માર્ગદર્શનમાં પંચમહાલ એસીબી પોલીસ મથકના પી.આઇ આર.આર દેસાઇ સહિતના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું. પીપલોદની ગ્રામ પંચાયત કચેરીમાં જ વાતચીત બાદ અરજદાર પાસેથી રૂા.500ના સ્થાને 305 રૂપિયાની લાંચ સ્વીકારતા સાથે જ એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. તલાટી રાજેન્દ્ર પટેલ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...