સંજેલી તાલુકાની ગ્રામ પંચાયતનું નવીન મકાનનું બાંધકામ સમાજ ઘર પાસે અગાઉ થયેલા ઠરાવ મુજબ જગ્યાએ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો સહિત તાલુકા અધ્યક્ષ અને જિલ્લા સભ્યને લેખિત રજુઆત કરવામાં આવી છે. સંજેલી તાલુકાની જુસ્સા પંચાયતમાં બાઉન્સર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલા સરપંચે ચુંટણી જીત્યા બાદ પંચાયત વિસ્તારમાં કામો હાથ ધર્યા છે.
પૂર્વ સરપંચ દ્વારા તારીખ 02/05/2018 ના રોજ મળેલી ગ્રામસભામાં જૂની પંચાયત ઘર જર્જરીત હાલતમાં હોવાથી ચોમાસામાં પાણી પડવાથી રેકર્ડની જાળવણી તેમજ સાચવણી કરવામાં ખૂબ જ મુશ્કેલી તેમજ અચાનક છત કે પોપડા પડવાથી કોઈક ને નુકસાન થાય તેને ધ્યાને લઈને ગ્રામસભામાં નવીન પંચાયત ભવન સમાજ ઘર પાસે આવેલ સર્વે નંબર 127 માં બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.
નવા ચૂંટાયેલા સરપંચ માનસિંગભાઇ રાવત દ્વારા ઠરાવ નું ઉલ્લંઘન કર્યાના આક્ષેપ સાથે તેઓ નવીન પંચાયત ભવન તેમના નિવાસસ્થાન પાસે બનાવવાની તજવીજ હાથ ધરાતા ગ્રામજનો દ્વારા વિરોધ કરી રહ્યા છે. અગાઉ મંજુર થયેલ સમાજ ઘર પાસેના સ્થળ પર જ બનાવવાની માંગ સાથે ગ્રામજનો તેમજ તાલુકા પંચાયતના અધ્યક્ષ મહેદીપ પલાસ અને જીલ્લા સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
મારા ઘર પાસે લઇ જવા કોઇ તજવીજ કરી નથી
જુસ્સા નવીન ગ્રામ પંચાયત ભવન બનાવવા માટે સમાજ ઘર પાસે આવેલી જમીન તેમજ પ્રાથમિક શાળા પાસે આવેલી જમીન જંગલખાતાની આવેલી છે જ્યાં બાંધકામ કરવા માટે જંગલ ખાતાની પરમીશન માંગવામાં આવી છે પરમીશન આવશે ત્યાં બાંધકામ કરવામાં આવશે.તેમજ જૂની પંચાયત વાળી જમીન માલિકીની હોવાથી માલકી દ્વારા તે જમીન પર બાંધકામ કરવું નહીં તેવું જણાવવામાં આવ્યું છે. પંચાયત ભવન મારા ઘર પાસે લઈ જવા માટે મેં કોઈ તજવીજ હાથ ધરી નથી.પરંતુ પંચાયત ઘર નિશાળ જોડે બને તો સારું તેવી મારી માંગ છે. - માનસીંગભાઇ રાવત, સરપંચ, જુસ્સા
પંચાયત નિર્ણય લેશે
જુસ્સા ગ્રામ પંચાયતના નવીન ભવન બનાવવા માટેની જમીનની રજુઆત આવી છે પરંતુ આ પંચાયત ભવન બનાવવા માટે જે જમીનની વાત છે તે પંચાયત ભવન બનાવવા માટે ગ્રામ પંચાયત જ નિર્ણય લેશે. - સુરેશ ગાવિત, તાલુકા વિકાસ અધિકારી, સંજેલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.