મતદાન:પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો : મથક અને મતગણતરી સ્થળે સાઘનો લઇ જઇ શકાશે નહી

દાહોદ, વિરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં આગામી તા. 19 ડિસેમ્બરે ગ્રામપંચાયતોની ચુંટણી યોજાશે તેમજ તા. 21 ડિસેમ્બરે મતગણતરી યોજાવાની છે ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી.પાંડોરે એક જાહેરનામા થકી કેટલાક પ્રતિબંધો લાગુ કર્યા છે. જાહેરનામા મુજબ, મતદાન મથક અને મતદાન મથકની નજીકના વિસ્તારમાં તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે કોઇ પણ વ્યક્તિએ મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ ફોન સાથે પ્રવેશ કરવો નહી કે તેનો ઉપયોગ કરવો નહી.

મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા સારૂં સલામતી અધિકારીઓએ ઘેરેલ વિસ્તારમાં પણ કોઇ પણ વ્યક્તિ ઉક્ત સાઘનો સાથે પ્રવેશી શકશે નહી. અનિવાર્ય સંજોગોમાં કોઇ મતદાન મથકે પુન: મતદાન યોજાઇ તો પણ ઉક્ત નિયમ લાગુ થશે. આ નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. મતદાન અને મતગણતરીના કાર્યમાં કોઇ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય અને મતદાનની ગુપ્તતા જળવાઇ રહે તે માટે આ આદેશ કરાયો છે.

વિરપુર તાલુકામાં 19 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ખાસ એકશન પ્લાન તૈયાર કરી લઈ ચૂંટણીના તમામ મતદાન મથકો ઉપર હથીયારધારી પોલીસના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 64 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.

જેમાં 8 મતદાન મથકો સંવેદનશીલ અને 20 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે. જેના પર ખાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે તેમજ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તાલુકામાં મતદાન મથકો પર વ્યવસ્થાના ભાગરૂપે 1 Dysp, 5 PSI, 84 પોલીસ કર્મીઓ, 80 હોમગાર્ડ, 10 જીઆરડી સહિત વિડીયોગ્રાફર ફરજ બજાવશે. તથા 18 વાહનોની ફાળવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...