વિધાનસભાની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ:દાહોદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવો ફરજીયાત, વિવિધ ટીમો અને પોલીસ ખડેપગે રહેશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 યોજવા માટે તા. 3/11/22 ના રોજ જાહેર થતા જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે. દાહોદ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા બીજા તબક્કામાં યોજાશે.
10 નવેમ્બરે જાહેરનામું બહાર પડશે
જે મુજબ ચૂંટણીનું જાહેરનામું આગામી તા. 10 નવેમ્બરે બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. 17 નવેમ્બર, ચકાસણીની તા. 18 નવેમ્બર, ઉમેદવારી પાછી ખેંચવાની તા. 21 નવેમ્બર અને મતદાનની તા. 5 ડિસેમ્બર છે. મતગણતરીની તા. 8 ડિસેમ્બર રહેશે.
કુલ 1662 મતદાન મથકો પર મતદાન
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કુલ 6 વિધાનસભા મત વિભાગ માંજિલ્લામાં કુલ 1662 મતદાન મથકો છે અને 1155 મતદાન મથક લોકેશન છે. જે પૈકી 124 મતદાન મથક શહેરી વિસ્તારના છે. જેના 55 લોકેશન છે. જયારે 1538 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારના છે. જેના 1102 લોકેશન છે.
જિલ્લામાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધું
દાહોદ જિલ્લામાં પુરૂષ મતદારો 785190 સ્ત્રી મતદારો 798441 તેમજ અન્ય મતદારો 25 એમ કુલ 1583656 મતદારો છે. જેમાં 80 વર્ષથી વધુ વયના 33111, યુવા મતદારો જેઓ 18 થી 19 વર્ષના છે તેમની સંખ્યા 47,194, દિવ્યાંગ મતદારો 16762 છે.
વિવિધ ટીમોની રચના કરી દેવાઈ
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ન્યાયી રીતે યોજાઇ તે માટે આયોગની સૂચના મુજબ એફએસટીની 18 ટીમો, એસએસટીની 28 , વીએસટીની 12, વીવીટીની 8 તેમજ એકાઉન્ટીંગની 6 ટીમોની રચના કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 17246 પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે.ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે સંપન્ન થાય એ માટે કુલ 249 ઝોનલ અધિકારીની નિમણુંક કરાઇ છે. જેમને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકાર આપવામાં આવશે.
વૃદ્ધ, દિવ્યાંગ માટે ઘર બેઠા મતદાન,844 મથકોનુ વેબ કાસ્ટીંગ
આયોગની સૂચના મુજબ દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષની વધુની ઉંમર ધરાવતા મતદારોને મતદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ ઘરેથી મતદાન કરવા માંગતા હોય તો નિયત ફોર્મ ભરી સંમતિ આપશે તો તેમને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પણ ધરેથી મતદાન કરવાની તેમજ જો તેઓ મતદાન મથક પર આવવા માંગતા હોય તો તેઓને જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. જિલ્લામાં કુલ 1662 મતદાન મથકો પૈકી 844 મતદાન મથકોનું લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે.
આચારસંહિતા ભંગની ફરિયાદનો 100 મિનિટમા નિકાલ
નાગરિકો પણ આચારસંહિતા ભંગ, ચૂંટણી લગત ગુન્હાહિત પ્રવૃતિને લગતી ઓનલાઇન કરી શકો છો. જેનો 100 મિનિટમાં નિકાલ કરવામાં આવશે. આ માટે ટોલ ફ્રી નં. 18002330053 કાર્યરત કરાયો છે. વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ઇવીએમ ડેમોસ્ટ્રેશન, ગરબા કાર્યક્રમ, રંગોળી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ મારફત સંકલ્પપત્રો પણ ભરવામાં આવશે. તેમજ ઓછું મતદાન ધરાવતા મથકોના વિસ્તારોમાં અવસર કાર્યક્રમ મુજબ અવસર રથ ફેરવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...