હડકાયા શ્વાનનો આતંક:દાહોદમાં રખડતા કૂતરાઓએ સાગમટે 7થી 8 લોકોને બચકાં ભર્યાં, હોમગાર્ડ જવાનને ઘાયલ કરતાં દાખલ કરાયા

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતના સમયે વાહન ચાલકોને પણ હાલાકી, નાના મોટા અકસ્માતો પણ થાય છે

દાહોદ શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગઇકાલે મંળવારે હોમગાર્ડ જવાન સહિત 7થી 8 વ્યક્તિઓને કૂતરાઓ કરડતાં તેમને દવાખાને લઈ જવા પડ્યા હતા.

દાહોદ શહેરમાં રખડતા કૂતરાઓનો આંતક વધતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ગઇકાલે મંગળવારે રખડતા કૂતરાઓએ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેના પગલે સાતથી આઠ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી દાહોદ રૂરલ પોલીસ મથકે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને પણ કૂતરાએ બચકાં ભરતાં તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દાહોદમાં રખડતાં કૂતરાંઓનો આતંક વધતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ શહેરમાં રખડતા કૂતરાને કારણે વાહન ચાલકોને પણ રાતના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ક્યારેક નાના મોટા અકસ્માતો પણ થાય છે, ત્યારે જવાબદાર તંત્ર પગલાં ભરે તેવી લોકમાંગ ઉભી થવા પામી છે.

કઇ રીતે ત્રાસ ઓછો કરી શકાય
દાહોદ શહેરમાં પ્રજાને રંઝાડી રહેલા શ્વાનોનું ખસીકરણ કરી શકાય જેથી તેમની વસ્તિમાં વધારો ન થાય. શ્વાનોની વસ્તિ વધી જતાં શહેર અને આસપાસના વિસ્તારમાં સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આક્રમક શ્વાનોને પકડીને જંગલ વિસ્તારમાં છોડી મુકાય તો થોડી સમસ્યા હળવી થઇ શકે.

દરરોજ 3થી 4 પશુને નિશાન બનાવે છે
અમારી પાસે શહેર અને તાલુકામાંથી દરરોજ ડોગ બાઇટના ત્રણથી ચાર કોલ આવી રહ્યા છે. આજે જ એક બકરીને લવાઇ હતી તેને ચારથી પાંચ શ્વાનોએ ભેગા મળીને બચકા ભર્યા હતાં. ક્યારેક તો ડોગ બાઇટના કેસોની સંખ્યા દસથી પણ વધી જાય છે.>જયેશભાઇ પંચાલ, પશુ ચિકિત્સક,દાહોદ

આગામી દિવસોમાં આયોજન કરીશું
શહેરમાં શ્વાનોનો ત્રાસ મામલે આજે જ ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ત્રાસ ઓછો થાય તેવું આયોજન કરીશું.
કીરીટભાઇ નિનામા, ઇ.સી.ઓ, દા.ન.પા

ભાસ્કર એક્સપર્ટ
​​​​​​​ગરમીથી જાતને સુરક્ષિત ના સમજે ત્યારે હુમલો કરે છે

રાત્રે કૂતરા વાહન અથવા બીજા વ્યક્તિની પાછળ પડવા પાછળના મુખ્ય કારણમાં તેમનો જીજ્ઞાસુ સ્વભાવ કારણભૂત છે. બીજું કે તેઓ પોતાના વિસ્તાર વિશે સજાગ અને આધિપત્ય વાળા હોય છે. તેમના વિસ્તારમાં અન્ય કે અજાણી વ્યક્તિ કે વાહન આવે તો તરત જ તેની પાછળ પડી જાય અને પોતાના વિસ્તારથી વાહન કે વ્યક્તિ નીકળી જાય પછી તે શાંત થઈ જાય છે. હમણાં કૂતરા માણસ કે પશુને કરડવા ના કિસ્સા વધુ બની રહ્યા છે. તે પાછળના મુખ્ય કારણમાં હોર્મોનલ બદવાલ કારણભૂત છે. આ સાથે વધુ પડતી ગરમીનાં કારણે ઘણી વાર ડોગ પોતાની જાતને સુરક્ષિત ના સમજે ત્યારે હુમલો કરે છે. તેનાથી થી બચવા માટે તમે જે રસ્તે જતાં હોય ત્યારે કૂતરા સાથે નજર મેળવવી નહિ. - ડૉ. રણજીતસિંહ નાયક, નાયક પેટ વેટ ક્લિનિક, નિવૃત નાયબ પશુપાલન નિયામક

અન્ય સમાચારો પણ છે...