પોલીસ સામે પ્રશ્નાર્થ:​​​​​​​દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો જુગાર ધામ પર દરોડો, 12 જુગારીયા ઝડપાયા, રૂ. 11.40 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસ ઉંઘતી હતીને ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઓચિંતો છાપો માર્યો

દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં મસ મોટા જુગાર ધામ પર ગતરોજ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઓચિંતો છાપો મારતા જુગારીઓમા નાસભાગના મચી હતી. દાહોદ શહેરના કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ઉપર ઓચિંતો છાપો મારી વરલી મટકાનો, ચકલી પોપટનો જુગાર રમી રહેલા 12 જેટલા જુગારીઓને સ્ટેટ મોનીટરીંગની ગાંધીનગરની ટીમે ઝડપી પાડતાં દાહોદ શહેર પોલીસ તેમજ એલ.સી.બી. પોલીસ ધોળે દિવસે ઉંઘતી ઝડપાઈ હોવાનું પ્રતિત થયું હતું.

પોલીસે સ્થળ પરથી 1.53 લાખ રોકડા, 23 વાહનો, 14 મોબાઈલ ફોન, ટેબલ, ખુરશી, ગાદલા, જુગારના સાધનો મળી કુલ રૂ.11 લાખ 19 હજાર 640નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી તમામ જુગારીઓને દાહોદ શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. દાહોદ શહેરમાં આટલા મોટા પાયે જુગાર રમતો હોય અને ગાંધીનગરની ટીમ દાહોદ આવી છાપો મારતી હોય તો સ્વભાવિક છે કે, સ્થાનીક પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થાય.

જાણવા મળ્યાં અનુસાર, આ સ્થળે લાંબા સમયથી પોલીસની રહેમ નજરો હેથળ મોટા પાયે જુગાર ધમધમતો હતો. ત્યારે આ જુગારના અડ્ડાઓ કોના ઈશારે અને કોની પરમીશનથી ચલાવાતો હશે? તે પણ એક યક્ષ પ્રશ્ન બની રહેવા પામ્યો છે ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના સપાટા બાદ દાહોદ પોલીસ મથકના કેટલાંક જવાબદાર પોલીસ અધિકારીઓની નોકરી પર માથે તલવાર લટકી રહી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

દાહોદ શહેરના કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે અલગ અલગ ખાનગી વાહનોમાં આવ્યાં હતાં. આ સ્થળે ચાલતાં મોટા જુગારધામ પર પહોંચ્યાં હતાં.

જાણવા મળ્યાં અનુસાર, ટીમના કેટલાંક કર્મચારીઓ ખેલી તરીકે પણ જુગાર રમવામાં સામેલ થયાં હતાં અને ઓચિંતી રેડ કરતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં. પોલીસે 12 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં ત્યારે ઘણા જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાંનું પણ જાણવા મળી રહ્યું છે.

જુગારીઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી રૂપિયા 1 લાખ 53 હજાર 240ની રોકડ રકમ કબ્જે કરી હતી. 14 મોબાઈલ ફોન કિંમત રૂ. 47 હજાર, 23 નંગ વાહનો કિંમત રૂ. 9 લાખ 15 હજાર લોખંડના ટેબલો, ખુરશી કુલ નંગ. 23, ગાદલા, કેલ્ક્યુલેટર તેમજ જુગારના સાધનો મળી કુલ રૂ. 11 લાખ 19 હજાર 640 મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પોલીસ તંત્ર દાહોદ શહેર પોલીસ અને એલ.સી.બી. પોલીસની રહેમ નજર હેઠળ આ મસમોટા જુગારધામ પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઓચિંતો છાપો મારતાં દાહોદ શહેર પોલીસ અને એલ.સી.બી. પોલીસને અધિકારીઓમાં પણ એકક્ષણે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. આ પોલીસ કર્મચારીઓમાં પણ દોડધામોના દ્રશ્યો સર્જાયા હતાં.

ઉપરોક્ત છાપો મારવામાં આવેલા સ્થળ પર થોડા દિવસો અગાઉ આશરો પણ ચાલુ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે જુગાર, આશરો જેવા ગેરકાયદે પ્રવૃતિઓ પોલીસની રહેમ નજર હેઠળ વગર ચાલુ કરી શકાય તે માની શકાતું નથી. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના આ દરોડાના પગલે દાહોદના કયાં કયાં પોલીસ કર્મચારી પોતાની ફરજ પર નિષ્કાળજી દાખવી હશે? અને કયાં કયાં પોલીસ કર્મચારીઆના માથે લટકતી તલવાર હશે તે તો આવનાર સમયજ કહેશે. પરંતુ ગઈકાલના આ દરોડાના પગલે સ્થાનિક પોલીસ તંત્ર ઉંઘતુ ઝડપાયું છે. તે તો સ્પષ્ટ થઈ ગયું છે. આ દરોડાના પ્રત્યાઘાત ગાંધીનગર સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...