મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ:ઝાલોદમાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1000 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. આદિવાસી બંધુઓના સર્વાગી વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી રૂ. 1000 કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના 27 સ્થળોએ કાર્યક્રમ યોજાશે. ત્યારે દાહોદનાં ઝાલોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રૂ.1000 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કરવાના છે.

જેમાં વ્યક્તિલક્ષી લાભની વિગત જોઇએ તો 7500 આવાસો માટે રૂ. 90 કરોડના ચેકનું વિતરણ કરાશે. વન અધિકાર અધિનિયમ અંતર્ગત 11000 અધિકારપત્રોનું વિતરણ કરાશે. સિકલ સેલના 6000 દર્દીઓને રૂ. 3.6 કરોડની સહાયનું વિતરણ કરાશે. તેમજ 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિષ્યવૃત્તિની રૂ. 160કરોડની સહાયનું વિતરણ કરાશે. તદ્દઉપરાંત 2500 લોકોને દૂધાળા પશુઓના લાભ અને 2000 ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના લાભ અપાશે. ઝાલોદનાં સાયન્સ કોલેજના બાજુમાં મેલાણીયા ખાતે સવારે 10.30 કલાકથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

પાલ્લી જૂની મામલતદાર કચેરીમાં યોજાશે
દાહોદ, લીમખેડા તાલુકા ખાતે રાજ્યકક્ષાના મંત્રી બ્રીજેશ મેરજાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ પાલ્લી ગામ, જૂની મામલતદાર કચેરી ખાતે યોજાશે.

દાહોદમાં જૂના ઇન્દોર રોડ પર યોજાશે
​​​​​​​દાહોદ, દાહોદ તાલુકા ખાતે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ જૂના ઇન્દોર હાઇવે રોડ પરના પ્રસંગ પાર્ટી પ્લોટ-2 ખાતે યોજાશે.

ફતેપુરામાં સુખસર નૂતન વિદ્યાલયમાં યોજાશે
દાહોદ, ફતેપુરા તાલુકા ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ નૂતન વિદ્યાલય, સુખસર ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...