તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓચિંતી મુલાકાત:દર્દીઓ સહિત સ્ટાફ પણ ગાયબ, ગુરુવારે પણ કોવિડ કેર સેન્ટર ખાતે ખંભાતી તાળા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોવિડ સેન્ટરના ચેકિંગમાં તાળા મળતા ઇ. મામલતદાર ચોંક્યા. - Divya Bhaskar
કોવિડ સેન્ટરના ચેકિંગમાં તાળા મળતા ઇ. મામલતદાર ચોંક્યા.
  • થાળાસંજેલી કોવિડ કેર સેન્ટરની વિઝિટ દરમિયાન તાળાં લટકતા જોઇ મામલતદાર ચોંકી ઉઠ્યા

મુખ્યમંત્રી દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સંજેલી તાલુકા નિ પ્રાથમિક શાળાઓમાં 54 જેટલા કોવિડ કેર સેન્ટરો શરૂ કર્યાં છે.જે અંતર્ગત બુધવારે પ્રાંત અધિકારી એસ ડી ચૌધરી અને સંજેલી મામલતદાર ટીડીઓ આઇસીડીએસ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થાળા સંજેલી ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી તે દરમિયાન પાંચ જેટલા ભૂતિયા દર્દીઓને રાખ્યાં હતાં. વિઝીટ પુર્ણ થતાની સાથે જ દર્દીઓ અને સ્ટાફ પણ ગાયબ થઈ ગયાં હતાં. જે બાબતના દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિધ્ધ થતા ગુરૂવારે સંજેલી ઈ.મામલતદાર સુજલ ચૌધરીએ થાળા સંજેલી ખાતે કોવિડ કેર સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે દરમ્યાન તાળા લટકતા જોઈ ચોંકી ઉઠ્યા હતા.કોવિડ કેર સેન્ટરોમાં દર્દીઓની સાથે સાથે આરોગ્ય વિભાગ તેમજ આંગણવાડી સહિતનો સ્ટાફ પણ ગાયબ જોવા મળ્યો હતો.

પ્રાંત અધિકારીની વિઝીટ દરમ્યાન આવા ભૂતિયા દર્દીઓ કોણ લાવ્યા અને શા માટે લાવ્યા હતા. તાબડતોબ દર્દીઓને સુવાડવામા આવ્યા હતા અને સ્ટાફ પણ હાજર કરી દેવામાં આવ્યો હતો, આ તમામ બાબતની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે.થાળા સંજેલી ખાતેની કોવિડ કેર સેન્ટરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે તો દર્દીઓ ક્યારે લાવ્યા હતા અને કોણ હતું અને કેટલા કલાક રોકાયા હતા તેની ચોક્કસ માહિતી મળી શકે તેમ છે.

આવા ભૂતિયા દર્દીઓ લાવી કોવિડ કેર સેન્ટરમાં શોબાજી કરવાનો શું મતલબ છે અને બુધવારના રોજ માત્ર અધિકારીઓને કે ખુશ કરવા માટે કે પછી આવતી ગ્રાન્ટોનો સગેવગે કરવા માટે ભૂતિયા દર્દીઓ ઊભાં કરવામાં આવ્યાં હોવાની લોકોમાં ચારેકોર ચર્ચા ચાલતી સાંભળવા મળી હતી. સંજેલી તાલુકાના આવા અંતરિયાળ વિસ્તારોમાં આવેલા કોવિડ કેર સેન્ટરોમાં જો ભૂતિયા દર્દીઓ ઉભા કરવામાં આવતા હોય તો જિલ્લામાં આવેલા અન્ય કોવિડ કેર સેન્ટરોમાં કેવું લોલમલોલ ચાલતું હશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ગંભીર નોંધ લઇ કલેક્ટરને જાણ કરાશે
થાળા સંજેલી ખાતે બુધવારના રોજ વિઝીટ દરમિયાન પાંચથી છ દર્દીઓ આ સેન્ટરમાં સારવાર લઈ રહ્યાં હતા પરંતુ આજે ગુરૂવારના રોજ ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થતાં જ ઓચિંતી મુલાકાત દરમ્યાન કોવિડ કૅર સેન્ટરમાં દર્દીઓ સહિત આરોગ્ય સ્ટાફ કે આંગણવાડીનું સ્ટાફ જોવા મળ્યો ન હતો અને આ કોવિડ કેર સેન્ટરને તાળું લગાવેલું જોવા મળ્યું હતું. આ બાબતની ગંભીર નોંધ લઈ જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવશે.>સુજલ ચૌધરી,ઈન્ચાર્જ મામલતદાર,સંજેલી

અન્ય સમાચારો પણ છે...