દાહોદ જિલ્લામાં પાકને જીવનદાન મળે તેવો સંતોષકારક વરસાદ રહ્યો છે. જોકે, તે છતાય જિલ્લામાં આ વખતે સોયાબીન, અડદ અને તુવેરનું ઓછુ વાવેતર થયેલુ જોવા મળી રહ્યુ છે. કઠોળ-તેલીબીયાની ખેતી છોડીને ખેડુતો પાછા પરંપરાગત મકાઇની ખેતી તરફ વળેલા જોવા મળી રહ્યા છે. કોરોના કાળને કારણે બિયારણના વધેલા ભાવ અને કેટલાક સ્થળે ઓછુ ઉત્પાદન મુખ્ય કારણ હોવાનું સામે આવ્યુ છે.
દાહોદ જીલ્લામાં ખેતી લાયક કુલ જમીન 2 લાખ 19 હજાર હેક્ટર જેટલી છે. તેમાંથી 1 લાખ હેક્ટર જમીનમાં જ પાણી મળે તેટલી જ સિંચાઇ સુવિધા છે.જેથી આખાયે જિલ્લામાં ભગવાન ભરોસે વરસાદ આધારિત જ ખેતી કરવામાં આવે છે.જેને કારણે કદીક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિને કારણે જીલ્લાનાં ગરીબ ખેડૂતોને ખેતીમાં છેલ્લા કેટલાય વર્ષોથી નુકસાન જ વેઠવું પડતું રહ્યું છે. કોરોના કાળમાં વિવિધ ચીજવસ્તુઓ સાથે બિયારણના ભાવ પણ મોંઘા થતાં તેની સીધી અસર વાવણી ઉપર પડી છે. જિલ્લામાં પાછલા કેટલાંક વર્ષોથી સોયબીનની ખેતીના સોનેરી સૂરજ ઉગ્યો હતો. જોકે, આ વખતે છેલ્લો વરસાદ વધુ થતાં પાકને થયેલા નુકસાનથી આ વર્ષે બિયારણના ભાવ 9500 રૂપિયાથી વધુ ગયા હતાં. આ સાથે અડદના બિયારણના ભાવ 8000થી 8500 અને તુવેરના બિયારણના ભાવ 6000થી 6500 હોવાથી સંખ્યાબંધ ખેડુતોએ તેની ખેતી કરવાનું માંડી વાળીને પરંપરાગત મકાઇની ખેતી તરફ વળી ગયેલા જોવા મળી રહ્યું છે. કેટલાંક કિસ્સામાં પાકનો ઓછો ઉતારો પણ કારણભૂત મનાઇ રહ્યો છે. વર્ષ 2020માં 28379 હેક્ટર સામે આ વર્ષે 23940 હેક્ટરમાં જ સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યુ છે.
આ વર્ષે મકાઇના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. 112631 હેક્ટર સામે આ વર્ષે 123666 હેક્ટરમાં મકાઇ વવાઇ છે. ગત વર્ષે 4683 સામે આ વર્ષે માત્ર 878 હેક્ટરમાં જ અડદ અને 9946 હેક્ટર સામે 7969 હેક્ટરમાં તુવેર વવાઇ છે. મકાઇ સાથે ખેડુતો શાકભાજી તરફ પણ વળ્યા હોવાથી ગત વર્ષના 3579 સામે આ વર્ષે 5019 હેક્ટરમાં વિવિધ પ્રકારની શાકભાજી વાવવામાં આવી છે. ગત વર્ષ જિલ્લામાં 2031180 હેક્ટરમાં વાવેતર થયુ હતું તેની સામે આ વર્ષે 208157 હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે વાવેતરમાં 5049 હેક્ટરનો વધારો જોવા મળી રહ્યો છે.
સોયાબીનમાં પહેલા જેવો ઉતારો આવતો નથી
સોયાબીનની ખેતીમાં પહેલા જેવા ઉતારો આવતો નથી. જેના કારણે અમે પાક ફેરબદલી કરી મકાઈનું વાવેતર કર્યું છે.> શંકરભાઈ જવાભાઈ ગણાવા ,ખેડૂત ઝરીબૂઝર્ગ
બિયારણ મોંઘું હોવાથી લાવી ન શકાયું
સોયાબીનના સર્ટિફાઇડ બિયારણના ભાવ વધવાના કારણે મોંઘુ બિયારણ લાવી ન શકાતા અમે આ વર્ષે સોયાબીનનું વાવેતર નથી કર્યું.>દિનેશભાઈ નાનજીભાઈ બામણીયા,ખેડૂત -દાદુર
તળાઇયો નહીં ભરાતાં ડાંગરમાં ઘટાડો
દાહોદ જિલ્લામાં ગત વર્ષના આંકડાની સરખામણીમાં વરસાદ સંતોષકારક છે પરંતુ તેની અનિયમીતતાએ ડાંગરની ખેતીમાં ઘટાડો જોવાઇ રહ્યો છે. એક કે બે વખત જ ધોધમાર સિવાય તળાઇયો ભરાય તેવો વરસાદ નહીં થતાં ગત વર્ષના 39433 હેક્ટર સામે આ વખતે 37427 હેક્ટરમાં જ ડાંગર હોવાનું જોવાઇ રહ્યું છે. ડાંગરના ધરૂ પણ સુકાઇ ગયા છે.
પાકની વાવણીમાં વધારો-ઘટાડો
પાક | 2020 વાવણી | 2021 વાવણી | વધ-ઘટ હેક્ટરમાં |
સોયાબીન | 28379 | 23940 | 4439- |
અડદ | 4683 | 878 | 3805- |
ડાંગર | 39433 | 37427 | 2006- |
તુવેર | 9946 | 7969 | 1977- |
મકાઇ | 112631 | 123666 | 11035+ |
શાકભાજી | 3579 | 5019 | 1440+ |
કપાસ | 235 | 329 | 94+ |
ડેમોની સપાટી (મીટરમાં)
ડેમ | પૂર્ણ | હાલની |
પાટાડુંગરી | 170.84 | 167.15 |
માછણનાળા | 277.64 | 273.5 |
કાળી | 2257 | 252.4 |
ઉમરિયા | 280 | 277.65 |
અદલવાડા | 237.3 | 235.6 |
વાંકલેશ્વર | 223.57 | 219.22 |
કબુતરી | 186.3 | 181.4 |
હડફ | 166.2 | 164.55 |
2 વર્ષના વરસાદની સરખામણી(આંકડા મિમીમાં)
તાલુકો | 2020 | 2021 | વધ-ઘટ |
ગરબાડા | 227 | 170 | 57- |
ઝાલોદ | 120 | 131 | 11+ |
બારિયા | 268 | 218 | 50- |
દાહોદ | 346 | 291 | 55- |
ધાનપુર | 199 | 203 | 04+ |
ફતેપુરા | 225 | 308 | 83- |
લીમખેડા | 159 | 169 | 10+ |
સંજેલી | 215 | 280 | 65+ |
સીંગવડ | 97 | 227 | 130+ |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.