દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે થોડા દિવસો પહેલા સાવકી સાસુના ત્રાસથી એક પરિણીતાએ પોતાના બે વર્ષના માસૂમ પુત્ર સાથે અગ્નિ સ્નાન કર્યુ હતું. જેમાં પરિણીતાનું મોત નીપજ્યું હતું જ્યારે બે વર્ષીય માસૂમ પુત્ર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. જેનુ પણ ગતરોજ સારવાર દરમિયાન મોત થયું છે. જેને પગલે પરણિતાના પતિ દ્વારા મૃતક પોતાની પત્ની વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તારીખ 22 મી એપ્રિલના રોજ ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે રહેતા પરણિતા આશાબેન સાગરભાઇ નીનામાએ પોતાની સાવકી સાસુના ત્રાસથી બે વર્ષીય પુત્ર સારાંશ સાથે પોતાની સાસરીના ઘરમાં અગ્નિસ્નાન કરી લીધું હતું. જેને પગલે માતા-પુત્રને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આશાબેનનું સારવાર દરમિયાન જે તે સમયે મોત નીપજયું હતું. જ્યારે પુત્ર સારાંશ ગંભીર હાલતમાં જીવન - મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો.
આ સંબંધે મૃતક આશાબેનના પિતા દ્વારા આશાબેનના સાવકી સાસુ સમીલાબેન સુરતાનભાઈ નીનામા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બે વર્ષીય માસુમ સારાંશનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. આ સંબંધે મૃતક આશાબેનના પતિ સાગરભાઇ સુરતાનભાઈ નિનામાએ મૃતક પોતાની પત્ની આશાબેન વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.