દાહોદ એસ.ઓ.જી. શાખાના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓએ ઈન્દોર હાઈવેથી રળીયાતી તરફ જતાં રોડના ફાંટા પર વોચ ગોઠવી હતી.તે દરમ્યાન મધ્યપ્રદેશ તરફથી આવતી એસ.ટી. બસમાંથી રૂપિયા 42 હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ભરેલા થેલાઓ સાથે એક ઈસમને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ સહિત કુલ રૂપિયા 47,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળતાં વોચ ગોઠવી
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાહોદ એસ.ઓ.જી. શાખાના પી.આઈ. આર.સી.કાનમીયા, પી.એસ.આઈ જે.બી. ધનેશા તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓ દાહોદ ટાઉન એ.ડિવિઝન પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે વખતે પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર વસનાભાઈને ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે, ઝાબુઆથી દાહોદ આવતી જીજે-18 ઝેડ-3747 નંબરની એસ.ટી.બસમાં પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો આવનાર છે. જે બાતમીના આધારે દાહોદ એસ.ઓ.જી શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઈન્દૌર હાઈવેથી રળીયાતી તરફ જતાં રોડના ફાંટા પર વ્યુહાત્મક વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ મુસાફરની તલાશી લેતા દારુ ઝડપાયો
તે દરમ્યાન બાતમીમા દર્શાવેલી ઝાબુઆથી દાહોદ આવતી બસ દુરથી જ નજરે પડતાં વોચમાં ઉભેલી પોલીસ સાબદી બની હતી.બસ નજીક આવતાં જ પોલીસે રોકી બસમાં તપાસ કરતા એક ઈસમ પાછળના ભાગે હાથમાં થેલો લઈ આઘો પાછો થતાં પોલીસને તેની હીલચાલ શંકાસ્પદ લાગી હતી.તેની તપાસ કરતા આ ઈસમે માલ-સામાનની આડમાં એક પ્લાસ્ટીકની મીણીયા થેલી તથા બીજા થેલાઓમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો રાખ્યો હોવાનું જણાઈ આવ્યુ હતુ.
બુટલેગર દાહોદના વરમખેડાનો નીકળ્યો
પોલીસે વ્હીસ્કી અને બીયરના 500 મીલીના ટીન મળી રૂા. 42,180ની કુલ કિંમતની બોટલ નંગ-369 સાથે ઈસમની અટક કરી મોબાઈલ ફોન મળી કુલ રૂા. 47,180નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તે ઈસમની પુછપરછ કરતા તેને પોતાનું નામ અજયભાઈ નરસુભાઈ માવી રહેવાસી, વરમખેડા, માવી ફળિયા તા. દાહોદ હોવાનું જણાવ્યુ હતુ.આરોપીને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે દાહોદ ટાઉન એ.ડીવીઝન પોલીસને સુપરત કરતા ટાઉન પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.