કરુણા અભિયાન:દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 57 પશુ-પક્ષીઓને મળ્યું નવજીવન

દાહોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણના એક જ દિવસમાં 39 પશુ-પક્ષીઓને મળી તાત્કાલિક સારવાર કરૂણા અભિયાનને ખાનગી સંસ્થાઓ સહિત નાગરિકોનો મળી રહ્યો છે વ્યાપક સહયોગ

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત સઘન રીતે મુંગા પશુપક્ષીઓનો બચાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત 49 પક્ષીઓ સહિત 57 પશુ-પક્ષીઓનો બચાવ કરાયો છે. પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળતાં આ શક્ય બન્યું છે. ઉપરાંત જાગૃત નાગરિકોએ પણ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને પશુ-પક્ષીઓને બચાવવામાં સારો સહયોગ આપ્યો છે. આ બધાની સાથે જ સેવાભાવી સંસ્થાઓની સક્રિયતા પણ ખૂબ મહત્વની સાબિત થઇ છે.

જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેસ ગોસાઇએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કરૂણા અભિયાન અંતર્ગત ફક્ત ઉત્તરાયણના જ દિવસે એટલે કે ગત તા. 14 જાન્યુઆરીએ 33 પક્ષીઓ સહિત કુલ 39 પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી બચાવવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 57 પશુ-પક્ષીઓનો બચાવ કરાયો છે. મોટે ભાગે પક્ષીઓ ધારદાર દોરીઓથી ખૂબ ધાયલ થતા જોવા મળી રહ્યાં છે. આ અભિયાન અંતર્ગત પશુપક્ષીઓના સારવાર કેન્દ્રની જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા વન અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી ડો.કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને પશુપક્ષીઓને મળી રહેલી સારવારનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે ફરીથી નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ મોટી સંખ્યામાં બહાર ઉડતા હોય છે અને તેમના ધાયલ થવાની શક્યતા વધુ છે. માટે આ સમયે પતંગ ન ચગાવવા. તેમજ પ્રતિબંધિત ધારદાર દોરીઓનો પણ ઉપયોગ ન કરવો. જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર મળે એ માટે દરેક તાલુકા અને પશુ દવાખાના ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ સાથે પણ સંકલન કરીને પશુ-પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાની પશુપાલન શાખા દ્વારા 9 જેટલી ઇમરજન્સી વાન તૈયાર રાખવામાં આવી છે. વનવિભાગની 10 ટીમો આ અભિયાનમાં કામગીરી કરી રહી છે.

જિલ્લામાં શરૂ કરવામાં આવેલી 1962 કરુણા એમ્બ્યુલન્સ થકી તાત્કાલિક સારવાર મળી શકી હતી. પશુ દવાખાના દાહોદ ખાતે જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ પણ ધમધમતો રહ્યો છે. આ કંટ્રોલ રૂમના નંબર 02673-221266 ઉપર જાગૃત નાગરિકોએ સમયસર જાણ કરીને ઘણાં પશુપક્ષીઓનો જીવ બચાવ્યો હતો. જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટેના વિશેષ સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. તેનો પણ મોટી સંખ્યામાં લાભ લેવાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં ગત તા.10 થી શરૂ કરવામાં આવેલું કરૂણા અભિયાન આગામી તા. 20 જાન્યુઆરી સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...