વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સમાવિષ્ટ 100 શહેરોમાં રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં દાહોદ જ એવું છે કે જ્યાં નગરપાલિકા હોવા છતાં તેનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે દાહોદ નગરને પાણીદાર જળવ્યવસ્થાપન આપતા બે પ્રોજેક્ટો તેમજ નગરના કચરાના યોગ્ય નિકાલ માટેના વેસ્ટમાંથી બેસ્ટ મેળવી આપતા બે પ્રોજેક્ટોનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 20 એપ્રિલે લોકાર્પણ કરશે.
સ્માર્ટ સિટીના રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ થકી ભૂગર્ભ જળસ્તર ઊંચુ આવશે. તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત 130 કિ.મી.ના નેટવર્ક પાથરીને વરસાદી પાણીને વહી જતું બચાવીને દાહોદના જળાશયોને રિચાર્જ કરાશે. સીવરેજ (ભૂર્ગભ ગટર યોજના) પ્રોજેક્ટ તેમજ સોલીડ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ થકી સ્વચ્છ દાહોદની સંકલ્પના સાકાર થશે.
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ
દાહોદમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત 130 કિમીના પાઇપની જાળ પાથરી છે. વરસાદી પાણીને આ નેટવર્ક દ્વારા એકઠું કરાશે. તેમજ તેને જળાશયો સુધી પહોંચાડી રિચાર્જ કરશે. ભારે વરસાદમાં પણ વરસાદી પાણીનો નિકાલ થશે. જળાશયો - છાબ તળાવ, દૂધીમતી નદી, ડેલસર તળાવમાં નાખશે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ, વરસાદી પાણીના ભરાવાને કારણે માખી મચ્છરનો ઉપદ્વવ અટકશે, ખુલ્લી નાળાઓ બંધ થતા રસ્તાઓ પહોળા થશે. જળાશયોમાં વરસાદી નીર સંગ્રહ થવાથી સિંચાઇની સુવિધાઓમાં વધારો થશે. સ્માર્ટ સીટીના સ્માર્ટ વોટર મેનેજમેન્ટ આપતો આ પ્રોજેક્ટ રૂ. 121.18 કરોડને ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે.
રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ
વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી જમીનના જળસ્ત્રોતોને પુન:જીવીત કરવાના તેમજ ભૂગર્ભ જળસ્તર ઊંચુ લાવવા રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ રૂ. 6.89 કરોડના ખર્ચે સંપન્ન કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 125 રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરો બનાવ્યા છે. આ સ્ટ્રક્ચરથી વરસાદી પાણીને પેહલા ફિલ્ટર કરી તેને ભૂગર્ભમાં ઉતારે છે, જેથી ભૂગર્ભ જળ-સ્તર ઊંચું લાવી શકાશે, જમીનની અંદર વહેતા પાણીના સ્ત્રોતને પુન:જીવીત થશે અને પાણીનો સંગ્રહ કરવાથી પર્યાવરણને અનેક રીતે મદદ મળી શકશે. પાણીના તળ ઊંડા જતા રોકી શકાશે. વરસાદી પાણીને ગટરમાં વહી જતાં રોકીને તેને વેડફાઇ જતાં બચાવાશે.
સોલિડ વેસ્ટ કલેક્શન
ઘન કચરાના નિકાલ માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટથી સ્માર્ટ સિટીના કચરાનો સ્માર્ટ રીતે નિકાલ કરશે. ઘન કચરાના યોગ્ય નિકાલ માટે તમામ પ્રકારના કચરાને એકત્ર કરી તેને ટ્રાન્સફર સ્ટેશન પર લઇ જઇ સેગ્રીગેટ કરી ત્યાર બાદ કોમ્પેક્ટર ટ્રક દ્વારા પુંસરી ખાતે લઇ જઇ અને પ્રોસેસિંગ કરી ઘન કચરો આધુનિક રીતે પ્રોસેસ કરી તેનો નિકાલ કરશે.
23 ઓટો ટિપ્પર, 3 કોમ્પેક્ટર ટ્રક અને 2 રોડ સ્વિપીંગ મશીન દ્વારા સફાઇની કામગીરી કરે છે. દરેક ઘરમાંથી નીકળતા કચરાનું આધુનિક રીતે મોનીટરીંગ કરશે. જનજાગૃકતા હેતુ ઝુંબેશ હાથ ધરાશે. રૂ. 19.46 કરોડના ખર્ચે આ પોજેક્ટને પૂર્ણ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.