મધર્સ ડે:2 ભાઇઓ માટે બહેન, દેરાણીના 2 બાળકો માટે જેઠાણી ‘જશોદા’ બની

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં 177 બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા હતા, તો 35 બાળકોએ બંનેનું છત્ર ગુમાવી દીધું હતું
  • 777 ​​​​​​​જેટલા અનાથ બાળકોના ચહેરા પર ફરી મુસ્કાન લોઇ આવી છે આ પાલક માતાઓ

દાહોદ જિલ્લામાં કોરોનાની યાદો ભલભલાને આજે પણ ધ્રુજાવી નાખે છે. તેમાય જે બાળકોએ પોતાના માતા-પિતા કે બંને ગુમાવ્યા હોય તેમની હાલત તો ખુબ જ કફોડી બની હતી. જોકે, કોમળ હૃદયી મહિલાઓની સમાજમાં આજે પણ કોઇ કમી નથી તેમ આવા બાળકોની વહારે આવેલી જશોદાઓ અનાથ બાળકોના મોઢેથી ખોવાયેલી મુસ્કાન પાછી લાવવામાં સફળ બની છે. આ પાલક માતાઓમાં કોઇ કાકી છે તો કોઇ દાદી, ક્યાંક બહેન પોતાના અરમાનોને દિલમાં દાબીને માતા જેમ ભાઇઓની સંભાળ રાખી રહી છે.

દાહોદમાં કોરોના કાળમાં 177 બાળકો એવા હતા કે જેમણે માતા કે પિતા ગુમાવ્યા હતા અને 35 બાળકો એવા હતા કે જેમને બંનેનું છત્ર પોતાના માથેથી ગુમાવ્યું હતું. આ સિવાયના 777 બાળકો એવા છે કે જેમના માતા કે પિતા નથી અને તેઓ હાલ પાલક માતાઓના આશરે જ જીવન વ્યતિત કરી રહ્યા છે.

ભાઇઓ વ્યવસ્થિત સેટલ થાય પછી લગ્નનું પણ વિચારીશ
‘માતાના નિધન બાદ અમે ભાંગી પડ્યા હતાં. અમે ચારે ભાઇ બહેનોએ પિતાને માંડ-માંડ સંભાળ્યા હતાં. કોરોના આવ્યો અને 2021માં તેમનું છત્ર પણ અમારા માથેથી છીનવાઇ ગયું. આ શબ્દો છે દાહોદ શહેરમાં રહેતાં 26 વર્ષિય કૃતિબેન પરમારના કે, જેઓ હાલમાં બહેન થઇને બે સમવ્યસક ભાઇઓ માટે માતાની ભૂમિકા પુરી પાડી રહ્યા છે. તેઓ આગળ જણાવે છે કે, મોટી બેન રશ્મિકાના લગ્ન થઇ ગયા છે. 30 વર્ષિય મયંક છૂટક કામ કરે છે અને 21 વર્ષિય કેયુર હજી ભણી રહ્યો છે.

માતાના નિધન બાદ આખા પરિવારની જવાબદારી આમેય મારી ઉપર આવી પડી હતી. કોરોનાએ પિતા પણ છીનવી લેતા બંને ભાઇઓને મમ્મી અને પપ્પાની કમી મહેસૂસ થવા દેતી નથી. મયંક અને કેયુરની દરેક નાની બાબતોનું ખયાલ રાખુ છું. તેમની પણ મને ઘણી હુંફ છે અને તેઓ પણ મારો ખુબ જ ખયાલ રાખે છે. અમે ત્રણ જ ઘરમાં છીએ. ક્યારેક મમ્મી-પપ્પાની યાદ આવી જતાં ત્રણે એક બીજાને દિલાસો આપીને એકબીજાને સંભાળી લઇયે છીયે. હાલમાં લગ્ન વિશે કંઇ વિચાર્યુ નથી. હા ભાઇઓ સેટલ થઇ જાય પછી જ હું લગ્ન વિશે જરૂરથી વિચારીશ’.

શરૂઆતમાં માતાને યાદ કરતાં હતા પણ ભૂલવા લાગ્યા છે
‘મારા દિયરના આકસ્મિક નિધન બાદ દેરાણી અનિતા અને તેના બંને બાળકો નિરાલી અને તીર્થની જવાબદારી મારી ઉપર આવી ગઇ હતી. અનિતાને બેન જેમ રાખતી હતી પણ 2020માં તેને કોરોના થયો, ઘણી દવા કરી પણ તે બચી શકી ન હતી. દિયર અને દેરાણી બંને નહીં હોવાથી 8 વર્ષની નીરાલી અને 7 વર્ષના તીર્થની જવાબદારી મારી ઉપર આવી ગઇ હતી. આ શબ્દો છે દાહોદ શહેર નજીક ગલાલિયાવાડ ગામમાં રહેતાં ઉષાબેન વિનોદભાઇ ખરાડિયાના. કે જેઓ કોરોનામાં દેરાણી અનીતાના નિધન બાદ તેમના બંને બાળકો માટે જશોદા બનીને તેમનું લાલન પાલન કરી રહી છે.

તેઓ આગળ જણાવે છે કે, તેમના બે મારે પણ વસ્તારમાં તેમની જ ઉંમરના બે બાળકો છે. દેરાણી અનીતાના નિધન બાદ મારા બે નહીં પણ ચાર બાળકો છે તેમ કરીને જ હું ચારેયનો ઉછેર કરી રહી છું. શરૂઆતમાં બંને ક્યારેક અનિતાને યાદ કરી લેતા હતા પણ મારા અને મારા પતિ વિજયભાઇના હેતથી તેઓ હવે ધીમે-ધીમે દુ:ખ આપનારા સમયને ભૂલવા લાગ્યા છે. મારે મોટી દીકરી બોલતી નથી, એટલે અમે તો નિરાલી ઉપર જ નિર્ભર છીએ. નિરાલી અને તીર્થને ખુબ ભણાવીને તેમના પગે ઉભા કરવાની ઇચ્છા છે’.

અન્ય સમાચારો પણ છે...