ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તેમજ ખેડુતોને સાચુ અને સારી ગુણવત્તાનું દવાનું બિયારણ અને ખાતર મળી રહે ઉપરાંત ખેડુતો દ્વારા તેનો ઉપયોગ કરવાથી તેમના પાકને નુકસાન ન થાયા અને તેઓના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી વડોદરા વિભાગના સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા આંતર જિલ્લા સ્કવોર્ડની રચના કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં વડોદરાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) આર.કે ભટ્ટની આગેવાનીમાં સ્કવોર્ડ ટીમની રચના કરાઇ હતી. આ ટીમમાં દાહોદ જિલ્લાના ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર દ્વારા બનાવાયેલી ટીમ દ્વારા જિલ્લામાં ત્રણ દિવસ સુધી દવા-બિયારણ અને ખાતરનું વેચાણ કરતાં વિક્રેતાઓને સરપ્રાઇઝ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ઓચિંતી ચકાસણી દરમિયાન દવા, બિયારણ અને ખાતરનું વેચાણ કરતાં વિક્રેતાઓ નિયમાનુસાર વેચાણ કરે છે કે નહીં તે સહિતની અનેક બાબતની ચકાસણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં 91 ડિલરો અને એજન્સીની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં અનિયમીતતા બદલ 53 વિક્રેતાને શો કોઝ નોટીસો આપવામાં આવી હતી.
દવા અને બિયારણ અને ખાતરના શંકાસ્પદ લાગતાં 12 નમૂના ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતાં. પ્રિન્સીપલ સર્ટિફિકેટનો ઉમેરો કરાવ્યા વગરનો 11,68,550 રૂપિયાનો ઇનપુટ જથ્થો પણ દાહોદ જિલ્લામાં અટકાવવામાં આવ્યો હતો. આ સરપ્રાઇઝ ચેકિંગથી દાહોદ જિલ્લાના વિક્રેતાઓમાં ખળભળાટ મચી ગયો હતો.
કેટલાંક શબ્દો લખેલા ન હોય તો ખરીદી ન કરવી
જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળી અથવા પ્રતિષ્ઠિત વિક્રેતા પાસેથી જ કરવી,ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ, ટીન તથા બિયારણની થેલી સીલબંધ હોવાનું ચકાસવું, પાકુ બીલ લેવું, ખાતરની થેલી ઉપર ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનીક ફર્ટીલાઇઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઇલ્સ કેક ફર્ટીલાઇઝર એવો શબ્દ લખેલો ન હોય તો તેવી થેલીમાં ખાતરને બદલે ભળતો પદાર્થ હોઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.