ભાસ્કર વિશેષ:પ્રથમ વાર 4 ફૂટ લંબાઇનો રસેલ્સ વાઇપર ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 ઝેરી સર્પમાંથી ત્રિકોણ માથાવાળો આ સાપ 4થા નંબરે આવે છે
  • રામપુરમાં ઘાસના જંગલમાં પૂળામાંથી મળ્યો - પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રેસ્ક્યૂ કરાયું

દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામના ઘાસના જંગલમાંથી ભારતમાં 5 અતિઝેરી સર્પની યાદીમાં 4થા નંબરે આવતા રસેલ્સ વાઇપરનું પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. દાહોદ શેહર નજીકથી પહેલી વખત જ પકડાયેલા 4 ફૂટ લાંબા આ સર્પને પ્રકૃતિ મિત્ર મંડળ ખાતે રાખવામાં આવ્યો છે.

રામપુરામાં ઘાસના જંગલમાં ઘાસના પૂળા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પૂળા ટ્રેક્ટરમાં ભરતી વખતે રોજમદારોને સાંપ જોવા મળ્યો હતો. આ મામલે પ્રકૃતિ મિત્ર મંડળને જાણ કરાતા સર્પનિષ્ણાંત શાહિદ શેખ, વિમલ પરમાર અને આકાશ પસાયા રામપુરા ખુશી હોટેલના પાછળના ભાગે દોડી ગયા હતાં. ત્યાં ઢગલામાં સંતાયેલા આ ઝેરી સર્પને પકડવાનો પ્રયાસ કરતાં તેણે બીજા ઢગ તરફ ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નજરો ટેકવી રાખીને ભારે જહેમત બાદ અંતે ચાર ફૂટ લાંબા આ રસેલ્સ વાઇપર(ખડચીતળ)ને પકડવામાં સફળતા મળી હતી.રસેલ્સ વાઈપર ખુલ્લા અને ઘાસવાળા મેદાનો,જંગલોમાં વધુ જોવા મળે છે.

આમ તો તે દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ તરફના વિસ્તારમાં અગાઉ પકડાયેલો છે પરંતુ દાહોદ શહેર નજીક તે મળી આવવાનો પ્રથમ બનાવ છે. આ સાપ ખૂબ જ ગુસ્સાવાળો અને વીજળીની ઝડપે હુમલો કરનાર હોય છે. આ સાપનો દંશ અત્યંત ઝેરીલો હોય છે કારણ કે તેની માત્રા વધુ હોતા વ્યક્તિના શરીર પર તરત જ અસર કરે છે.

ભારતમાં દર વર્ષે 20,000 લોકોના તેના દંશને કારણે મૃત્યુ થતાં હોવાનું નોંધાયુ છે. આ સાપની ઓળખ તેનું માથું છે ત્રિકોણ આકારમાં તેનું માથું અને તે તેના શરીર કરતાં વધારે ચપટું હોય છે. વચ્ચેના ભાગેથી ખુબ જ જાડો હોય છે અને પછી પૂંછડીના આકરેથી સાવ પાતળો. તેનો અજગર જેવો રંગ પણ એક અલગ ઓળખ છે.

અન્ય સમાચારો પણ છે...