આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળીના દિવસે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હોળી પર્વે આદિવાસીઓ વતન પરત આવ્યા હતા અને હવે મેળાઓની રમઝટ જામવાની છે ત્યારે જ દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
20 કિ.મીથી વધુની ઝડપે ફૂંકાયેલા પવનોએ અચાનક જ ઠંડક પ્રસરાવી દીધી હતી. જોકે જોત જોતામાં જિલ્લાના દાહોદ , લીમખેડા, ફતેપુરા અને ઝાલોદમાં વરસાદ વરસ્યો હતો. હોળીના દિવસે જ વરસાદ વરસતાં લોકોએ પલળતાં હોળી માતાની પુજા કરવાની ફરજ પડી હતી.
ફતેપુરા માં હોળી દહન ના દિવસે સાંજના 7:00 વાગ્યાના સુમારે લોકો દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવી હતી. હર્ષોઉલ્લાસ સાથે લોકોએ હોળી માતાની પૂજા અર્ચના અને પ્રદક્ષિણા શરૂ કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ આઠ વાગ્યા સુધીમાં હોલી માતા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ત્યારે અચાનક આઠ વાગ્યાનો સુમારે વેગીલો પવન ફૂંકાવા લાગ્યો હતો. પવન ફૂંકાવા સાથે સાથે વાવાઝોડાનો માહોલ થઈ ગયો હતો. જોતામાં અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ તૂટી પડતા હોળી માતાના દર્શન કરતા અને પ્રદક્ષિણા ફરતા ભક્તોના રંગમાં ભંગ પડ્યો હતો.
વરસાદની એન્ટ્રી થતાં રસ્તા ઉપર પાણી જ પાણી ફરી વળ્યું હતું સાથે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. આઠ વાગ્યાના સુમારે શરૂ થયેલો વરસાદ બંધ થયા બાદ નવ વાગ્યે ફરો ધોધમાર શરૂ થયો હતો. ત્યારે હોળી માતાના દર્શન કરવા આવેલ ભક્તોએ પણ અડગ મને પડતાં વરસાદમાં હોળી માતાના દર્શન અને પ્રદક્ષિણા કરવાનું શરૂ રાખ્યું હતું. હોળીની જ્વાળા ઓલવાઈ ગઈ હતી ત્યારે લોકોઍ છત્રી લઈને પ્રદક્ષિણા ચાલુ રહી હતી.આખા તાલુકામાં ધોધમાર વરસાદ સાથે સુખસર પંથકમાં 15 થી વધુ ઝાડ પડી ગયાના અહેવાલ મળ્યા છે.
હોળીની રાત્રે જ તાલુકામાં અનેક જગ્યા પર વરસાદ વરસતા હોળીના રંગમાં ભંગ જેવો માહોલ સર્જાયો હતો.જિલ્લામાં ઘણી જગ્યાએ ઠણ્ડા પવનો ફૂંકાયા હતા અને હળવા છાટાના અહેવાલ પણ મળ્યા હતા. દાહોદ શહેરમાં પણ મોડીરાતે વરસાદે વરસવાનું ચાલુ કરતાં જ રસ્તાઓ ભીના થઇ ગયા હતાં. જયારે લીમખેડા તાલુકામાં પણ વરસાદે એન્ટ્રી લેતાં હોળી પર્વે યોજાતા મેળઓની મઝા બગડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.