મતદાન જાગૃતી કાર્યક્રમ:દાહોદની શાળાઓમાં વિદ્યાર્થીઓ જ બની રહ્યાં છે પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીગ ઓફિસર અને મતદાર

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા અને મહત્વ વિશે સમજે એ માટે શાળાઓમાં મતદાન જાગૃતી કાર્યક્રમ
  • શાળાઓમાં આ રીતની ચૂંટણીઓ યોજીને ભારતના ભાવિ મતદારોને લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરાયા

દાહોદ જિલ્લાની શાળાઓમાં ચૂંટણીઓ યોજાઇ રહી છે. આ ચૂંટણીઓ વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓ નથી. પરંતું આ ચૂંટણીઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગના મોનીટર ચૂંટવાની છે. જોકે, આ બહાને વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા અને મહત્વ વિશે સમજે એ માટે સ્વીપ એક્ટિવિટિઝ તંત્ર દ્વારા એક ઝુંબેશ કલેક્ટરના માર્ગદર્શનમાં હાથ ધરાઇ છે. જિલ્લામાં મોટા ભાગની શાળાઓમાં આ રીતની ચૂંટણીઓ યોજીને ભારતના ભાવિ મતદારોને લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરાઇ રહ્યાં છે.

ચૂંટણીની પ્રક્રિયા વિદ્યાર્થીઓ જ કરે છે
જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ પણ આ ચૂંટણી પ્રક્રિયામાં હોંશે હોશે ભાગ લઇ રહ્યાં છે. જેમાં વિદ્યાર્થીઓ જ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીગ ઓફિસર બની રહ્યાં છે અને વિદ્યાર્થીઓ જ મતદાર બનીને મતદાન કરી રહ્યાં છે.

મતદાન કુટિરમાં જ મતદાન કરાય છે
શાળામાં ઉભી કરવામાં આવેલી મતદાન કુટિરમાં વિદ્યાર્થીઓ કતારબદ્ધ ઉભા રહીને મતદાન આપે છે. સમગ્ર પ્રક્રિયા અસલમાં કરવામાં આવતા મતદાનની જેમ જ અનુસરવામાં આવે છે અને એ મુજબની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે.
મતદાન બાબતની જાગૃતિ અત્યારથી જ આવે: શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવેએ જણાવ્યું કે, જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે આ ચૂંટણીઓનું આયોજન કરાયું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં મતદાન બાબતની જાગૃતિ અત્યારથી જ આવે એ માટે વકૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા, વાંચન સ્પર્ધા, લોકસભા વિધાનસભાની ડિબેટ વગેરે એક્ટિવિટી યોજીને વિદ્યાર્થીઓને લોકોશાહીનું મહત્વ, લોકશાહીમાં મતદારની ભૂમિકા અંગે સભાનતા કેળવાય એ માટે સ્વીપ-સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...