સગીરાઓનું અપહરણ:દાહોદના ગરબાડા અને ધાનપુર તાલુકામાંથી લગ્નના ઈરાદે બે સગીરાઓનાં અપહરણ કરાતાં પોલીસ ફરિયાદ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને સગીરાઓના પિતાએ ગરબાડા અને ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામે એક યુવક દ્વારા પોતાના ૩ મિત્રોની મદદ લઇ એક 13 વર્ષીય સગીરાનું અપહરણ કરાયું હતું. તેણે સગીરાને ફોસલાવી, લગ્નની લાલચ આપી મોટરસાઈકલ ઉપર બેસાડી અપહરણ કરી લઇ નાસી જતાં પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઈ હતી. તેવી જ રીતે ધાનપુર તાલુકાના નળુમાં પણ 15 વર્ષીય સગીરાનું લગ્નના ઈરાદે અપહરણ કરાતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ગરબાડા તાલુકાના નીમચ ગામે રહેતો ચિરાગભાઈ મુકેશભાઈ અમલીયાર પોતાના મિત્ર વિક્રમ ભારતસિહ અમલીયાર અને તેની સાથે અન્ય બે ઈસમ મળી કુલ ચાર જણાએ ગરબાડા તાલુકામાં રહેતી એક 13 વર્ષીય સગીરાના ઘરે ગયા હતા. ચિરાગે આ સગીરાને ફોસલાવીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ મોટરસાઈકલ ઉપર બેસાડી સગીરાનું અપહરણ કરી આ ચાર શખ્સ ફરાર થઈ ગયા હતા. આ સંબંધે સગીરાના પિતા દ્વારા ઉપરોક્ત ચારેય યુવકો વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેવી જ રીતે દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામે રહેતા જગદીશ માનસિંગભાઈ સામે પણ અપહરણનો ગુનો નોંધાયો છે. ધાનપુર તાલુકાના નળુમાં રહેતી એક પંદર વર્ષીય સગીરા જ્યારે પોતાના ગામમાં આવેલા કરિયાણાની દુકાને ગઈ હતી. તે સમયે જગદીશ સગીરા પાસે આવ્યો હતો અને તેને ફોસલાવી લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવાનું કહી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે સગીરાના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...