તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંપત્યજીવન ભંગાણ આરે:દાહોદમાં ફાર્માસિસ્ટ પત્ની - PSI પતિએ છૂટાછેડા લીધા, ગંભીર ગુનાની ફરિયાદ બાદ પરણ્યા, હવે ફરી છૂટાછેડાને આરે

દાહોદ22 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • પ્રથમ પત્નીથી થયેલા બાળકો સાથે વાત કરવા મુદ્દે ડખો : બંનેએ એકબીજા સામે આક્ષેપો કર્યા
  • ફાર્માસિસ્ટ પત્નીએ માર મારતાં PSI પતિએ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

દાહોદ જિલ્લાના શિક્ષિત યુવક-યુવતિ લગ્ને-લગ્ને કુંવારા બની રહ્યા છે. આ કિસ્સામાં તેઓ કોઇ બીજા સાથે નહીં પરંતુ છુટ્ટાછેડા લીધા બાદ ફરી એકબીજા સાથે જ લગ્ન કર્યા હતાં. જોકે, પુન: ડખો સર્જાતા થોડાક જ મહિનાઓમાં તેમનું દાંપત્યજીવન ફરી ભંગાણના આરે આવીને ઉભુ થઇ ગયું છે. પીએસઆઇ પતિ તેની પ્રથમ પત્નીના બાળકો સાથે વાત કરે તે ફાર્માસિસ્ટ પત્નીને પસંદ ન હોવાથી ગુંચ ઉભી થઇ છે. પત્નીએ પતિને આ મુદ્દે માર પણ મારતાં સપ્તાહ પહેલા હાલોલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઇ હતી.

દાહોદ જિલ્લાની પરીણિત વડોદરા ટ્રાફિકના પૂર્વ પીએસઆઇ અને પરીણિત હાલોલની કામદાર વીમા યોજના હોસ્પિટલની આસિ.ફાર્માસિસ્ટ યુવતિ વચ્ચે આંખ મળ્યા બાદ બંનેએ એકબીજાના જીવનસાથીને છુટ્ટાછેડા આપીને સંસાર માંડ્યો હતો. જોકે, બંને વચ્ચે ડખો થતા યુવતિએ પીએસઆઇ યુવક સામે ગંભીર પ્રકારના ગુના દાખલ કરાવ્યા હતાં. બંને છુટ્ટાછેડા લઇને પોતાની રીતે જીવન વ્યતિત કરવા લાગ્યા હતાં. યુવતિની ફરિયાદના આધારે પીએસઆઇને જેલમાં પણ રહેવું પડ્યું હતુ. પીએસઆઇ જામીન મુક્ત થયા બાદ બંને વચ્ચે ફરીથી પ્રેમનો દરિયો ઘુઘવ્યો હતો.

જેથી બધું ભુલી જઇને તેમણે ફરી એક વખત લગ્ન કરીને બંને એક સાથે હાલોલ રહેવા લાગ્યા હતાં. પીએસઆઇ યુવક તેની પ્રથમ પત્નીથી થયેલા બાળકો સાથે વાત કરતો હતો તે યુવતિને પસંદ ન હતું. જેથી એકાદ સપ્તાહ પહેલાં વિડિયો કોલ ઉપર વાત કરતો જોઇ ઉશ્કેરાયલી ફાર્માસિસ્ટ પત્નીએ તેના પીએસઆઇ પતિ સાથે મારામારી કરવા સાથે તેનું માથુ દિવાલ સાથે અથાડીને ઘાયલ કર્યો હતો.

આ મામલે પતિએ પત્ની સામે હાલોલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. ફાર્માસિસ્ટ પત્ની દ્વારા ભૂતકાળમાં કરાયેલી ફરિયાદો બાદ પીએસઆઇ તો હાલ સસ્પેન્ડ છે પરંતુ હવે પીએસઆઇ પતિ દ્વારા ફાર્માસિસ્ટ પત્ની સામે કરાયેલી પોલીસ ફરિયાદ બાદ તેના ડિપાર્ટમેન્ટ દ્વારા શું પગલા લેવાયા તે જાણવા મળ્યુ નથી. સમાજમાં શિક્ષિત ગણાતા યુવક અને યુવતિએ એકબીજા સાથે બીજી વખત કરેલા લગ્ન ફરીથી ભંગાણના આરે છે.