આદિવાસીઓનું અપમાન:આર.જમનાદાસ કંપની દ્વારા પ્રકાશિત સંપુટમાં અપમાનજનક ટિપ્પણી કરાતાં દાહોદના આદિવાસીઓમાં રોષ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજેલી પોલીસ મથકે લેખક અને પ્રકાશક સામે એટ્રોસીટી અંતર્ગત ગુનો નોંધવા અરજી અપાઇ

આર. જમનાદાસની કંપની અને તેમના દ્વારા આદિવાસી સમાજ માટે અપમાનજનક બાબત એસ.વાય. બી.એ.ના પ્રશ્નપત્રમાં સમાજશાસ્ત્રના પેપરમાં પ્રકાશિત કરવામાં આવી છે. જેથી દાહોદ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશની લાગણી ફેલાવા પામી છે. જેને પગલે આદિવાસી પરિવાર સંજેલી દ્વારા સંજેલી પોલીસ મથકે કંપની વિરૂદ્ધ કાર્યવાહીની માંગ સાથે લેખિત અરજી ફરિયાદ રૂપે આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર આર. જમનાદાસ કંપની અને તેમના લેખક દ્વારા એસ.વાય.બી.એ. આદર્શ અને અનુ કૌટિલ્ય પ્રશ્ન સંપુટના સમાજશાસ્ત્ર પેપર 9, સેમેસ્ટર 4ના પાના નંબર 74 અને મુદ્દા નંબર 2માં એઈડ્‌સના કારણોમાં વેશ્યાગમન દર્શાવવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે શહેરો, ગામડાઓમાં આદિવાસી સમાજમાં વેશ્યાવૃતિઓની પ્રવૃતિઓ નિરંકુશ રીતે ચાલ્યાં કરે છે. આ પ્રમાણેનું લખાણ છાપીને પુસ્તક વાંચનારા યુવા વર્ગના મગજમાં આદિવાસી સમાજની ઘણી અપમાનજનક અને ઘૃણાજનક ખોટી માહિતી આપવાનો પ્રયત્ન કરેલ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

આ પાયા વિહોણી માહિતી સોશિયલ મીડીયામાં વાયરલ થવાથી આદિવાસી સમાજના લોકો અન્ય સમાજની સામે નાલેશીજનક પરિસ્થિતી અનુભવતા હોવાનું લેખિત અરજીમાં જણાવવામાં આવ્યું છે. જેના પગલે સંજેલીના આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. જેથી આદિવાસી સમાજનું અપમાન થયું હોવાના આક્ષેપો સાથે આર. જમનાદાસ કંપની અને તેના લેખક વિરૂદ્ધ પોલીસ એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે સંજેલીના આદિવાસી સમાજના લોકો દ્વારા સંજેલી પોલીસ મથકે લેખિત ફરીયાદ સ્વરૂપે અરજી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...