વૃક્ષો પર્યાવરણની રક્ષા માટે મહત્વનું પરિબળ છે ત્યારે વિશ્વમાં વનોની ઘટતી સંખ્યા ચીંતાનો વિષય બની છે ત્યારે વનના વિકાસ મામલે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાની વાત જ નોખી જોવાઇ રહી છે. અહીં આવેલા 669 ગામો પૈકીના 454 ગામો વન આચ્છાદિત છે. આખા દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકો સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે જ્યારે ફતેપુરા તાલુકો સૌથી ઓછો વન વિસ્તાર ધરાવે છે.
કુદરતી જંગલોનો નાશકરીને તેની સામે બનાવાતા કોંક્રિટના જંગલોને કારણે વિપરીત પરીસ્થિતિ પેદા થઇ છે. ગ્લોબલ વોર્મિંગથી આખુ વિશ્વ પીડાઇ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના પછાત ગણાતા દાહોદ તેના જિલ્લાના કુલ વિસ્તારનો 23.4 ટકા વન વિસ્તાર ધરાવે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા અને ભૌગોલિક રીતે ખડકાળ એવો દાહોદ જિલ્લો 3,58,277 હેક્ટરમાં ફેલાયેલો છે. દાહોદ જિલ્લાની તાલુકામાં વહેંચણી કરીને જોવામાં આવે છે. 14488 હેક્ટરમાં ફેલાયેલા દેવગઢ બારિયા તાલુકામાં 86 ગામો આવેલા છે. તેમાંથી 62 ગામો વન વિસ્તાર ધરાવે છે.
તેવી જ રીતે 17856 હેક્ટરમાં ફેલાયેલા લીમખેડા-સીંગવડ તાલુકાના 182 ગામોમાંથી 118 ગામ,19610 હેક્ટરમાં ફેલાયેલા ધાનપુર તાલુકાના 90 ગામોમાંથી 84 ગામ, 4422 હેક્ટરમાં ફેલાયેલા ગરબાડા તાલુકાના 24માંથી 19 ગામ વન આચ્છાદિત છે. 12366 હેક્ટરમાં ફેલાયેલા તાલુકામાં 85 ગામ છે તેમાંથી 47 ગામો વન વિસ્તાર ધરાવે છે. 15565 હેક્ટરમાં ફેલાયેલા ઝાલોદ ના 150 ગામોમાંથી 91 અને 4066 હેક્ટરમાં ફેલાયેલા ફતેપુરા તાલુકાના 33 ગામોમાં વન વિસ્તાર છે. 454 ગામો વન આચ્છાદિત ગામો હોવાનું વન વિભાગના સર્વે પરથી જાણવા મળ્યું છે.
એક વર્ષમાં 988 વૃક્ષોનું નિકંદન
દાહોદ જિલ્લામાં વન વિભાગ દ્વારા વર્ષ 2020-21માં જિલ્લામાં હરિયાળી સાથે વાતાવરણ શુદ્ધ રહે તે હેતુથી 106 સ્થળો ઉપર આશરે 1791 હેક્ટર જમીનમાં1095450 રોપાનું વાવેતર કરવામાં આવ્યુ હતું. તેની સામે દાહોદ જિલ્લામાં રસ્તો બનાવવામાં કે ઘર બનાવવામાં નડતાં વૃક્ષોનું નિકંદન પણ કાઢવામાં આવ્યુ હતું. વન વિભાગની પરવાનગી સાથે આખા જિલ્લામાં એક વર્ષમાં 988 ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પ્રિમોન્સુન કામગીરીના ભાગ રૂપે વૃક્ષોના ટ્રીમીંગ દરમિયાન ડાળખા કાપી નાખીને કેટલાંક વૃક્ષો બોડા બ કરી દેવામાં આવ્યા હતાં.
5565 હે.માં ફેલાયેલું રતનમહાલ
દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ અભ્યારણ આગવું મહત્વ ધરાવે છે. જેમાં ચારથી વધુ ગામો વસેલા છે. ધાનપુર તાલુકાના 19810 હેક્ટરમાંથી એકલા 8555 હેક્ટરમાં રતનમહાલ અભ્યારણ ફેલાયેલું છે.
ઉડતી ખિસકોલી અહીં જોવાય છે
અહીં 162 દીપડાનો વસવાટ છે. રતનમહાલ અભ્યારણમાં 67 રીછ નોધાયેલા છે. 38 રીંછ અભ્યારણ બહારના વિસ્તારમાં પણ જોવાયા હતાં. 90ના દશકમાં લુપ્ત થઇ ગયેલી મનાતી ઉડતી ખીસકોલી પણ અહીં જોવા મળે છે. વન વિભાગ દ્વારા અહીં સાત ઉડતી ખીસકોલી અત્યાર સુધી નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.