દાહોદ શહેર નજીક આવેલા ઉસારવણ ગામના ટીંડોરી ફળિયાના પેટા ફળિયા ડાંગી ફળિયામાં પાણીની સમસ્યા હોવાથી પ્રજાને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જેથી શનિવારે દાહોદના તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, વાસ્મોના ટેકનીકલ આસિસ્ટન્ટ દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ અધિકારીઓ સામે ભારે હૈયાવરાળ ઠાલવી હતી. જેથી તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતને સુચના આપીને ટેન્કર મારફતે પીવાનું પાણી ગ્રામજનોને પહોંચાડવામાં આવ્યું હતું.
હાલમાં નલ સે જલ યોજના અંતર્ગત ઉસરવાણ ગામે યોજનાની કામગીરી માટે એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.જે પૈકી પાઇપલાઇન તારીખ 25મે સુધીમાં આવવાની આશા વ્યક્ત કરાઇ છે. યોજના અંતર્ગત કુવાની કામગીરી અંદાજિત એક માસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી. નલ સે જલ યોજના પૂરી થયેથી ટીંડોરી ફળિયાના પેટા ફળિયા ડાંગી ફળિયામાં પાણીના પ્રશ્નનું નિરાકરણ આવી જશે.
પરંતુ ત્યાં સુધી જરૂરિયાત મુજબનું પાણી સવારે 8 વાગ્યે અને સાંજે 5 વાગ્યે દિવસમાં બે વાર ગ્રામજનોને પહોંચાડવા સરપંચ તથા તલાટીને તાલુકા વિકાસ અધિકારીએ સુચના આપી હતી. પાટાડુંગરી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ઉસરવાણ ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેની કામગીરી હાલમાં પ્રગતિમાં હોવાનું જણાવાયુ હતું. આ યોજના ની સંપૂર્ણ કામગીરી પૂરી થતાં લગભગ એક વર્ષની આસપાસ જેટલો સમય લાગે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.