દાહોદ- ઇન્દૌર રેલવે લાઇનના બાકી કામ માટે રેલવેએ આશરે 300 કરોડના ટેન્ડર બહાર પાડ્ય છે. પણ આ રૂપિયાથી દાહોદથી ઝાબુઆ વચ્ચે કોઇ જ કામ નહીં થાય. ટેન્ડર ખુલ્યા બાદ ઇન્દૌરથી ધાર વચ્ચેના અધુરા કામને સૌ પ્રથમ પૂર્ણ કરવામાં આવશે. રેલવે ધારથી ઇન્દૌર વચ્ચે સૌ પ્રથમ ટ્રેન દોડાવવાને પ્રાથમિકતા આપી રહ્યું છે. ઝાબુઆ જિલ્લામાં જમીન સંપાદન હજી બાકી છે. જેથી અહીંની કામગીરી માટેના ટેન્ડર આગામી વર્ષે જ બહાર પાડવામાં આવશે. 2020થી હોલ્ડ ઉપર મુકાયેલી 204 કિમીની આ યોજનાનું કામ ફરીથી શરૂ કરવાના ભાગ રૂપે વિવિધ કામોનું ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે.
દાહોદથી કતવારા વચ્ચે અર્થવર્કની કામગીરી સાથે પાટા પણ પથરાઇ ગયા છે. તેથી આગળ કેટલાંક વિસ્તારમાં અર્થવર્ક સિવાયની કોઇ કામગીરી થઇ નથી. યોજનાનું શિલાન્યાસ થયે 14 વર્ષ થઇ ગયા છે. 671 કરોડના સ્થાને યોજનાનું બજેટ આજની તારીખે 1640 કરોડ થઇ ગયું છે. ટેન્ડર ખુલ્યા બાદ પુલ સહિતના અધુરા કામ પૂર્ણ કરીને 2024 સુધી ઇન્દૌરથી ધાર વચ્ચે ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી દાહોદથી ઝાબુઆ વચ્ચે હજી એક વર્ષ સુધી કોઇ કામગીરી થઇ શકશે નહીં.
ધાર સુધી અધુરુ કામ પુરુ કરાશે
પહેલી પ્રાથમિકતા ધાર સુધી અધુરા કામને પુરી કરવાની છે. આગામી મહિને ટેન્ડર ખુલી જશે. ત્યાર બાદ કામ શરૂકરી દેવાશે. ઓક્ટોબર સુધી ધારથી સરદારપુર સુધી ટેન્ડર બહાર પાડીશું. ઝાબુઆ જિલ્લામાં જમીન સંપાદન બાકી હોઇ ટેન્ડરમાં સમય લાગશે. જમીન સંપાદન વહેલું થાય માટે અમે યોજનાને સ્પેશ્યલ રેલવે પ્રોજેક્ટમાં નાખી છે.>એમ.કે પટેલ, ચીફ એન્જી. ઇન્દૌર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.