લીમડી પંથકમાં ક્રૂર હત્યા:માત્ર માથાથી ગળા સુધીમાં 46 ઘા મારી હોમગાર્ડ જવાનની હત્યા કરવામાં આવી

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લીલવાઠાકોરમાં ભજનમાં જવાનું કહીને રાત્રે નીકળ્યા બાદ સવારે ઝાડીમાંથી લાશ મળી

લીમડીના દેપાડા ફળિયાના રહેવાસી સુનીલ ઉર્ફે સાધુભાઇ જોખનાભાઇ પલાસ હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જોકે, તેઓ છેલ્લા દસ દિવસથી ફરજ ઉપર જતાં ન હતાં. સુનીલભાઇ ધાર્મિક વૃતિના હોવાથી તેઓ રામાપીરના ભક્તો સાથે ધાર્મિક કામે તેમજ ભજનમાં આવતા જતા હતાં. રાતના 8.30 વાગ્યા તેઓ ભજનમાં જવાનું કહીને પોતાની જીજે-20-એએન-9779 નંબરની મોટર સાઇકલ લઇને ઘરેથી નીકળ્યા હતાં. ભજનમાંથી તેઓ પરોઢના ચાર-પાંચ વાગ્યે આવી જતાં હતા પરંતુ તેઓ સાત વાગ્યા સુધી નહીં આવ્યા નહતા સાથે ફોન પણ સ્વીચઓફ આવ્યો હતો.

પરિવારના લોકો સુનીલભાઇની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે સવારના 10.45 વાગ્યાના અરસામાં લીમડીથી ચાકલિયા જવાના રસ્તા ઉપર મલવાસી ગામ જવાના રોડે લીલવાઠાકોર ગામની સીમમાં સુનીલભાઇનો લોહી ખરડાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓ દ્વારા તેમના માથા,ડોક અને ગળા ઉપર કોઇ તિક્ષ્ણ હથિયારો વડે 46 ઘા કરતાં તેમનું મોત નીપજ્યુ હતું. લાશથી 200 મીટર દુર ઝાડીમાંથી તેમની મોટર સાઇકલ પણ મળી આવી હતી. આ મોટર સાઇકલ ઉપર પણ લોહીના ડાઘા મળી આવ્યા હતાં.

આ ઘાતકી હત્યાથી લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. આ ઘટના અંગે અનીલભાઇ જોખનાભાઇ પરમારની ફરિયાદના આધારે લીમડી પોલીસે હત્યા સંબંધિ ગુનો દાખલ કરીને સુનીલભાઇની હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તે અંગેની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...