તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:ગણપતિ વિસર્જનની યાત્રામાં હવે 15 લોકો જ હાજરી આપી શકશે, દાહોદમાં આયોજકો સાથેની બેઠકમાં એસપીનો આદેશ

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રે 3 વાગ્યા સુધી થતી વિસર્જન પ્રક્રિયા 10 વાગે આટોપવી પડશે

જનજનનું સંકટ હરવા માટે ગણપતિ દ્વારા આગામી તા.9થી 19 સુધી ગણપતિ બાપા પધારવાના છે. વિઘ્નહર્તા ગણેશજીના આ મહોત્સવ કોરોના વાઈરસનું સંક્રમણ તથા જળ પ્રદૂષણ ફેલાવવાનું કારણ ના બને એ માટે શનિવારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગની ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે માહિતી આપી હતી કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશોત્સવ માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં આગામી તા.9 સપ્ટેમ્બરથી તા. 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ગણેશ મહોત્સવ અંગે પણ નિયમો તેમજ પ્રતિબંધો અમલી બનાવ્યા છે. તેમણે ઉમેર્યું કે, સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ 2 ફૂટની ગણેશમૂર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ-મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. તેમજ સામાજિક અંતર જળવાઇ રહે તે માટે ગોળ કુંડાળાની વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત પૂજા, આરતી, પ્રસાદ વિતરણ કરી શકાશે પરંતુ અન્ય કોઇ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહી.

ગણેશ સ્થાપન અને વિર્સજન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફતે કરી શકાશે. ઘરે સ્થાપન કરેલી મૂર્તિનું ઘરે જ વિર્સજન કરવાનું હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે વધારેમાં વધારે વિસર્જન કુંડ બનાવવાના રહેશે. તેમજ નજીકનાં વિસર્જન કુંડ ખાતે વિસર્જન કરી શકાશે. દાહોદ, દે. બારિયા અને ઝાલોદ પાલિકા આ માટે વ્યવસ્થા વિચારી રહી છે. તેવી વિગતો કલેક્ટરે પ્રસ્તુત કરી હતી.

જિલ્લા પોલીસ વડાએ ગણેશ મહોત્સવની ઉજવણી સુરક્ષિત અને સલામત રીતે થાય એ રીતે કરવા ઉપર ભાર મૂકતા જણાવ્યું કે, રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ ગણપતિ દાદાની સ્થાપના અને વિસર્જન વખતે સરઘસ કાઢી શકાશે નહીં. પંડાલમાં કોઇ પણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં કરી શકાય. માત્ર આરતી અને પ્રસાદનું વિતરણ કરી શકાશે. પંડાલમાં ખોટી રીતે ભીડ ના થાય તેની તકેદારી રાખવાની રહેશે. વિસર્જનની વિધિ નિયત સ્થળે રાત્રીના 10 વાગ્યા પહેલા પૂર્ણ કરી લેવાની રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, નિવાસી અધિક કલેક્ટર અશોક પાંડોર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...